ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી જનરલ કાસિમ સુલેમાની ૩ જાન્યુઆરી, ૨૦૨૦ની વહેલી સવારે પોતાના કાફલા સાથે સીરિયાથી બગદાદ પાછા ફર્યા હતા અને બગદાદ એરપોર્ટથી શહેરમાં આવી રહ્યા હતા ત્યારે ડ્રોનથી કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં માર્યા ગયા. આખો કાફલો બે કારમાં સવાર હતો. બંને કાર નાશ પામી.. હુમલામાં કુલ સાત લોકો માર્યા ગયા.

અમેરિકાએ જાહેર કર્યું કે આ હુમલો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હુકમથી કરવામાં આવ્યો હતો.  એમના કાફલામાં ઈરાનના સમર્થનથી કામ કરતા આતંકવાદીઓ પણ હતા.

૬૨ વર્ષના જનરલ કાસિમ મધ્ય-પૂર્વની મોટાભાગની લશ્કરી કાર્યવાહીના વડા રહ્યા છે. ઈરાનમાં ખૌમેની પછી સૌથી શક્તિશાળી નેતા હતા. તેઓ ઈરાનની કુદ્સ ફોર્સ નામની લશ્કરી ટુકડીઓના લીડર હતા. કાસિમ સુલેમાનીના મૃત્યુના માનમાં ઈરાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ માણસ સીધી કે આડકતરી રીતે લાખ્ખો માણસોનાં મૃત્યુ માટે જવાબદાર હતો. વિશ્વનો એક નંબરનો આતંકવાદી હતો, તેને વર્ષો પહેલાં જ મિટાવી દેવાની જરૂર હતી.

અમેરિકન સંરક્ષણ વડામથક પેન્ટાગોન તરફથી નિવેદન આપવામાં આવ્યું કે સુલેમાની આખા આરબ વિસ્તારમાં અમેરિકન રાજદ્વારીઓ પર હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તથા હિઝબુલ્લાહ, હમસ અને ઈસ્લામિક જિહાદના આતંકવાદીઓને રક્ષણ આપી રહ્યા હતા.

ઈરાનના સર્વોચ્ચ વડા આયાતોલ્લાહ અલી ખૌમેનીએ જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કૃત્ય છે. અમેરિકા જવાબદાર છે. ગુનેગારો સામે સમય આવતાં ભયાનક બદલો લેવામાં આવશે. ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ કહ્યું કે ઈરાન અને આ વિસ્તારના તમામ સ્વતંત્ર દેશો હુમલાનો બદલો લેશે.

ઈરાન સરકાર તરફથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આ હુમલા સાથે સંડોવાયેલા બીજા ૩૫ સામે ખૂનના ગુના બદલ ધરપકડના આંતરરાષ્ટ્રીય વોરન્ટ બહાર પાડયાં.

રશિયાએ નિવેદન કર્યું કે આ હુમલો અમેરિકાનું બુદ્ધિ વગરનું ઘૃણાસ્પદ કાર્ય છે.  સઘન તપાસ પછી સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ કહ્યું કે સુલેમાની ઉપર અમેરિકાનો હુમલો ગેરકાયદેસર હતો. અમેરિકા સુલેમાની તરફથી વિશ્વને શું ભય હતો એના પુરાવા આપી શક્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here