29 સપ્ટેમ્બરના રોજ સરકાર અને વાલીમંડળ વચ્ચે સ્કૂલ ફી માફી અંગે બેઠક મળી હતી

  • આવતા વર્ષે આ બાબતે ફીનો કોઇપણ વધારો કરી શકાશે નહીંઃ વાલીમંડળની માગ

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ એવી નથી કે સંપૂર્ણ સ્કૂલ ફી ભરી શકે અને તેના કારણે લાંબા સમયથી ફી માફીને લઇને સરકાર, શાળા સંચાલકો અને વાલીમંડળ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ સ્કૂલ ફી માફીને લઇને પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટ દ્વારા સ્કૂલ ફી અંગે સરકાર નિર્ણય કરે તેમ કહેવામાં આવ્યા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વાલીમંડળના સભ્યો સાથે બેઠક કરી હતી અને સ્કૂલ ફી માફી અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ 25 ટકા ફી માફીની વાત સરકારે કરી હતી. જેનો સ્વીકાર શાળા સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ વાલી મંડળને 25 ટકા ફી માફી મંજૂર નથી. વાલી મંડળની માગ છેકે, 50 ટકા ફી માફી આપવામાં આવે. શાળ સંચાલકો મુદ્દે સરકાર ને વાલીમંડળ રજૂઆત કરવાનું છે અને પોતાની 7 માગ મૂકવાનું છે.

વાલીમંડળની 7 માગ

  1. દરેક સ્કૂલની 2019-20 અને 2020-21ની FRC દ્વારા મંજૂર કરવામાં આવેલી ટ્યૂશન ફી FRC દ્વારા જાહેર કરવામાં આવે. જેથી વાલીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી ફી માફી બાદ કરી જાતે જ બાકીની ટ્યૂશન ફી સ્કૂલમાં ભરી શકે.
  2. સરકારે જાહેર કરાયેલી ફી માફી માટે સ્કૂલ દ્વારા કોઇપણ જાતના ફોર્મ ભરાવવામાં આવે નહીં તેવી સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે. વાલીઓ કોઇપણ જાતની મદદ કે સહાય માંગતા નથી કે દરેક વ્યક્તિ અરજી કરીને સ્કૂલને પોતાના કાગળો રજૂ કરે. જેથી શાળા સંચાલકોની આવી માગણી સ્વીકારી શકાય નહીં.
  3. શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી માફી નથી જોઇતી તેવા ફોર્મ ભરાવી સરકાર સામે ખોટું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવી શકે છે, અગાઉ પણ આવું FRCના સંદર્ભમાં થઇ ચૂક્યું છે. જેથી ફી માફીના અમલીકરણમાં ફી માફી નથી જોઇતી તેવા કોઇ ફોર્મ ભરાવે નહીં.
  4. ચાલુ વર્ષે પ્રથમ ક્વાર્ટરની જે પણ ફી ભરાઈ ગઇ છે, જેમાં ટ્યૂશન ફી ઉપરાંતની જે પણ ફી ઉઘરાવવામાં આવી છે, તે તમામ ફી મજરે લીધા બાદ જ બાકીની ફી ભરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવે.
  5. ટ્યૂશન ફી માફી મળે તે બાદ ભરવાની થતી ફી એડવાન્સ કે એકસાથે કટ ઓફ ડેટ પહેલા ભરવાની કોઇ શરત રાખવામાં આવે નહીં.
  6. સરકાર દ્વારા જે પણ ફી માફી નક્કી કરવામાં આવે ફી શાળા સંચાલકોને થયેલા ખર્ચના ઘટાડા સામે આપવામાં આવે છે, જેથી આવતા વર્ષે આ બાબતે ફીનો કોઇપણ વધારો કરી શકાશે નહીં.
  7. ટ્યૂશન ફી સિવાયની બીજી કોઇપણ ફી ચૂકવવાની નથી તે બાબતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો તથા જે ફી માફી સરકાર કરે તે પ્રમાણે જ ટ્યૂશન ફી ઉઘરાવવી તે સિવાય બીજી કોઇ ફી શાળા સંચાલકોએ ઉઘરાવી નહીં તેની ચોખવટ કરવામાં આવે, જેથી કાયદાકીય ગૂંચવણ ઉભી ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here