ગુજરાત રમણીય રાજ્ય નથી. સાપુતારા કે દીવ કે પછી ગીર જેવા સ્થળો રણમિય છે, પરંતુ શહેરી વિસ્તારની હવા તો સતત પ્રદૂષિત હોય જ છે. શહેરમાં રહેતી ગુજરાતની ૬૦ ટકા વસ્તી એ વાત સાથે સહમત છે. હવા પ્રદૂષણનો આપણે અનુભવ કરીએ છીએ. આમ-તેમ ખોદેલા ખાડા, જ્યાં થયેલા માટીના ઢગલા, ડીઝલ અને કેરોસિન પર ચાલતા વાહનો, શહેરી વિસ્તારમાં ઉભા થઈ ગયેલા કારખાના.. વગેરેને કારણે આપણા શ્વાસમાં સ્વચ્છ હવા જતી નથી. એ વાતથી આપણે-થોડા ઘણા અંશેે વાકેફ હોઈએ. પણ હવે હવા પ્રદૂષણનું આર્થિક પાસું પણ ચર્ચાસ્પદ બન્યું છે.

ખોદેલા ખાડા, જ્યાં થયેલા માટીના ઢગલા, ડીઝલ અને કેરોસિન પર ચાલતા વાહનો

હવા પ્રદૂષણથી અર્થતંત્રને શું નુકસાન થઈ શકે એવો સવાલ પહેલી નજરે થાય પણ ઊંડા ઉતરીએ તો ખબર પડે કે હવા પ્રદૂષણ આરોગ્ય ઉપરાંત આર્થિક, સામાજિક એમ વિવિધ મોરચે પ્રચંડ અસર કરી રહ્યું છે. બસ્સો વર્ષ જૂના મેડિકલ જર્નલ ધ લાન્સિટમાં હવા પ્રદૂષણ વિશેનો અભ્યાસ પ્રગટ થયો. એ પ્રમાણે ૨૦૧૯ના વર્ષ દરમિયાન ભારતમાં હવા પ્રદૂષણથી ૧૬.૭ લાખ નાગરિકોના મોત થયા. જ્યારે આર્થિક રીતેે ભારતની તિજોરીને ૨,૭૧,૪૪૬ કરોડનું નુકસાન થયું. આ આંકડો મોટો છે અને જીડીપીના ૧.૪ ટકા જેટલો હિસ્સો રોકે છે. સામે ભારત આરોગ્યના નામે જીડીપીના સાડા ત્રણ ટકા જેવી રકમ જ ખર્ચે છે. આરોગ્ય સવલત પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

આરોગ્ય સવલત પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ

કોરોના વખતે વેન્ટિલેટર સહિતની પ્રાથમિક આરોગ્ય જરૂરિયાતો ખૂટી પડી એમાં જ સમજી શકાય એમ છે કે ભારતનું આરોગ્ય સેક્ટર મેડિક્લેઈમ કે આરોગ્ય વિમાની તરફેણમાં જેટલું વિકસી રહ્યું છે, એટલું સુવિધા-સવલતની બાબતમાં વિકસતું નથી. લાન્સિટમાં ‘ગ્લોબલ બર્ડન ઓફ ડિઝિસ સ્ટડી-૨૦૧૯’ નામનો અહેવાલ પ્રગટ થયો. નામ પ્રમાણે રોગચાળા અને તેનાથી સર્જાતા આર્થિક ભારણનું તેમાં વિગતવાર વિવરણ કરવામાં આવ્યું છે. તેમાં જે વિગતો જાહેર થઈ એ આપણા આરોગ્ય ઉપરાંત આપણા ખિસ્સાને પણ અસર કરે છે.

આરોગ્ય ઉપરાંત આપણા ખિસ્સાને પણ અસર કરે છે

નામ પ્રમાણે રોગચાળા અને તેનાથી સર્જાતા આર્થિક ભારણનું તેમાં વિગતવાર વિવરણ કરવામાં આવ્યું

ભારતમાં સૌથી વધુ મોત અને સૌથી વધારે નુકસાન મામલે ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે. મોતની દૃષ્ટિએ ગુજરાત આઠમા ક્રમે છે, પણ આર્થિક નુકસાનની દૃષ્ટિએ ગુજરાત ત્રીજો ક્રમ ધરાવે છે. વર્ષો પહેલા ગુજરાતે ક્લાઈમેટ ચેન્જ વિભાગ ઉભો કર્યો હતો, પર્યાવરણ મંત્રાલય તો અત્યારે પણ છે જ. પરંતુ પર્યાવરણ મંત્રી કે ગુજરાત સરકારની હવા પ્રદૂષણમાં ચાંચ ડૂબતી નથી.

કાચબંધ ગાડીઓ, લીલોતરી ધરાવતા મકાનો અને આધુનિક ઓફિસમાં રહીને કામ કરતા મંત્રીઓ તથા સરકારી અધિકારીઓને હવા પ્રદૂષણની આરોગ્યવિષયક કે આર્થિક અસર દેખાતી નથી. ગુજરાતને થયેલું આર્થિક નુકસાન અંદાજે ૨૧ હજાર કરોડ રૂપિયા જેવુ છે. ગુજરાતની વસ્તીદિઠ વહેંચી દઈએ તો દરેકના ખિસ્સામાંથી ૩ હજારની રકમ હવા પ્રદૂષણ સેરવી જાય છે. દિલ્હીમાં માથાદિઠ ખર્ચ સાડા ચાર હજાર રૂપિયા જેવો થાય છે. આ અભ્યાસ તૈયાર કરવામાં એઈમ્સ દિલ્હી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને આઈઆઈટી દિલ્હી જેેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સક્રિય ભાગ ભજવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં થતા કુલ મોતમાંથી ૧૭.૮ ટકા મોત એકલા હવા પ્રદૂષણથી થાય છે.

હવા પ્રદૂષણની આર્થિક અસર સામાન્ય રીતે લોકો કે સરકારના ધ્યાને આવતી નથી

આ રિપોર્ટમાં જ નિષ્ણાતોએ કહ્યુ છે કે હવા પ્રદૂષણની આર્થિક અસર સામાન્ય રીતે લોકો કે સરકારના ધ્યાને આવતી નથી. પરંતુ હકીકત એ છે કે પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી બિમાર પડવાનું થાય અને દવા-સારવારનો ખર્ચ થાય એ હવા પ્રદૂષણની આર્થિક અસર નહીં તો બીજુ શું છે? જોકે આર્થિક અસર એટલા પૂરતિ મર્યાદિત નથી. પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી લોહીની નળીઓ બ્લોક થાય અને ક્યારેક હાર્ટ એટેક આવે કે પછી હૃદય સબંધિત બીજા પ્રશ્નો ઉભા થાય. તેની સારવાર લાંબી ચાલે. હોસ્પીટલે એકથી વધારે વાર ધક્કા ખાવા પડે. બાળકોનું હવા પ્રદૂષણથી આરોગ્ય બગડે તો સ્કૂલમાં રજા રાખવી પડે એટલે ભણતરને અસર થાય. નોકરી કે કામધંધામાં આરોગ્યને કારણે બ્રેક લેવો પડે અને સારવારનો ખર્ચ કરવો પડે. એટલે કામના કલાકો ઓછા થવા ઉપરાંત દવા-સારવારનો ખર્ચ એમ બે રીતે માર પડે. હવા શુદ્ધિકરણના એર પ્યુરિફિકેશન સહિતના સાધનો ફીટ કરવા પડે. માસ્ક પહેરવા પડે અને એ માટે ખર્ચ કરવો પડે. પ્રદૂષિત વિસ્તારમાં ધૂમાડો-ધૂળ થાળેે પાડવા પાણીનો છંટકાવ કરવો પડે.. એવુ તો ઘણુ બધુ થાય જે છેવટે હવા પ્રદૂષણનું આર્થિક નુકસાન જ ગણાય.

પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી લોહીની નળીઓ બ્લોક થાય અને ક્યારેક હાર્ટ એટેક આવે કે પછી હૃદય સબંધિત બીજા પ્રશ્નો ઉભા થાય

હવા પ્રદૂષણથી થતા આર્થિક નુકસાનમાં ૪૦ ટકા હિસ્સો તો ફેંફસાંની બિમારીનો છે. ૬૦ ટકામાં હાર્ટ અને અન્ય બિમારીઓનો સમાવેશ થાય છે. ભારતમાં નેશનલ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હેઠળ હવાના ૧૨ પ્રદૂષકોની ગણતરી કરવામાં આવે છે. તેમાં હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઈડ, ૨.૫ પીએમ કણો, ૧૦ પીએમ કણો, ઓઝોન, સીસું, નિકલ, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ વગેરેનો સમાવેશ થાય છે.

એક ફાયદો એ થયો છે કે એક સદીમાં ભારતના ઘરેલું હવા પ્રદૂષણમાં ૬૪ ટકાનો ઘટાડો આવ્યો છે. કેમ કે લાકડા-છાણા આધારિત ચૂલાનો વપરાશ ઓછો થયો, ધૂમાડો ન ફેલાવતો ગેસ-ઈલેક્ટ્રિક ચૂલાનો વપરાશ વધ્યો. પણ તેની સામે ભારતના દરેક નાના-મોટા નગરમાં સતત બાંધકામો ચાલે છે. એટલે ઉડતી ધૂળ હવાને શુદ્ધ રહેવા દેતી નથી.હવા પ્રદૂષણની આયુષ્ય પર પણ અસર થાય છે.

અગાઉ જર્મનીની મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટયૂટ ઑફના સંશોધકોએ હવા પ્રદૂષણથી આયુષ્યમાં ૩ વર્ષ ઘટાડો થતો હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. એમાં પણ સૌથી વધારે ઘટાડો ભારત જેવા દેશમાં થઈ રહ્યો છે. ભારતમાં ૩.૮૬ વર્ષનો ઘટાડો નોંધાયો હતો. આમ પણ ભારતમાં હવાનું પ્રદૂષણ દુનિયાના અન્ય દેશો કરતા ખાસ્સુ વધારે છે. જગતમાં સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં મોટા ભાગના ભારતના જ હોય છે.

જગતમાં સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં મોટા ભાગના ભારતના જ

આ પહેલા હવા પ્રદૂષણની વૈશ્વિક સ્થિતિ રજૂ કરતો અહેવાલ ‘સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એર ૨૦૨૦’ આજે રજૂ થયો હતો. એ અહેવાલ પ્રમાણે ભારતનો સમાવેશ સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા દેશોમાં થાય છે. આ રિપોર્ટ મુજબ ૨૦૧૯ના એક જ વર્ષમાં ભારતમાં હવા પ્રદૂષણથી ૧૬.૬૭ લાખ મોત થયા હતા. એમાં વળી ૧.૧૬ લાખ તો નવજાત શીશુ હતા. બાળકો ધરતી પર મોટા થઈ શ્વાસમાં શુદ્ધ હવા મેળવે એ પહેલા હવા જ જીવલેણ સાબિત થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન વારંવાર કહ્યું કે ભારત-ચીન-રશિયા મોટા હવા પ્રદૂષકો છે. એ વાત સાવ ખોટી તો નથી જ. અલબત્ત, ટ્રમ્પનું અમેરિકા પોતે કાર્બન મોનોક્સાઈડ જેવા ઘાતક વાયુના ઉત્પાદનમાં ભારત કરતા તો આગળ જ છે.

ટ્રમ્પનું અમેરિકા પોતે કાર્બન મોનોક્સાઈડ જેવા ઘાતક વાયુના ઉત્પાદનમાં ભારત કરતા તો આગળ જ

આ વર્ષના આરંભે જ આંતરરાષ્ટ્રી સંસ્થા ‘સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (સીઆરઈએ-સેરા)’ અને ‘ગ્રીનપીસ’ બન્નેએ મળીને હવા પ્રદૂષણની સમગ્ર વિશ્વ પર આર્થિક અસરનો વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. એ અહેવાલ પ્રમાણે હવા પ્રદૂષણ સમગ્ર જગતને ૨૯૨૦ અબજ ડૉલરનું વાર્ષિક નુકસાન થાય છે. ભારતના જીડીપીનો આંકડો અત્યારે ૨૭૦૦ અબજ ડૉલર છે. ભારતના અર્થતંત્ર કરતાં પણ વધુ બિલ તો હવાના નામે ફાટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here