એકતરફ અમેરિકાએ ફાઇઝર કંપની સાથે તેની કોરોના રસીના બીજા 100 મિલિયન ડોઝ મેળવવા માટે સોદો કર્યો છે ત્યારે તેના કારણે આવતાં એલર્જિક રીએક્શનને કારણે આ મામલે નવેસરથી ચર્ચા શરૂ થવાના એંધાણ છે.

હાલ રસી ઉત્પાદક કંપની ફાઇઝર અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થ વચ્ચે જેમને વધારે એલર્જી છે તેમની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. ઓપરેશન રેપ સ્પિડના મુખ્ય સાયન્ટિફિક એડવાઇઝર મુન્સિફ સલાઉએ જણાવ્યું હતું કે 22 ડિસેમ્બર સુધી જે પ્રમાણમાં રીએક્શન આવ્યા છે તે અન્ય રસીઓની તુલનામાં વધારે જણાય છે.

આ મુદ્દે યુકેના રેગ્યુલેટર્સે એડવાઇઝરી બહાર પાડી છે કે જેમને એલર્જિક રિએક્શન આવતાં હોય તેમણે ફાઇઝર-બાયોએનટેકની રસી ન લેવી. બે આરોગ્ય કર્મચારીઓને રીએક્શન આવતાં યુકેના રેગ્યુલેટર એમએચઆરએ દ્વારા યુએસના રેગ્યુલેટર્સને આ બાબતે સાવધ રહેવાની જાણ કરવામાં આવી હતી.
એમએચઆરએની ચીફ એક્ઝિક્યુટિવ ડો. જુન રેનેએ સંસદીય સમિતિ સમક્ષ જુબાની આપતાં જણાવ્યું હતું કે સઘન ક્લિનિકલ ટ્રાયલમાં એલર્જિક રિએક્શનના કેસોનો ઉલ્લેખ થયો નથી. આ બાબતે શું કરવું તેની સલાહ તાબડતોબ મેલવી ફિલ્ડ પર પહોંચાડવાની જરૂર છે.