‘બાહુબલી’ ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ આવી છે. બે દિવસ પહેલાં જ તેને કોરોના વાઇરસના હળવા લક્ષણ દેખાયા હતા. ત્યારબાદ તેણે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. તમન્ના હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. અગાઉ તેનાં પેરેન્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તે આઇસોલેશનમાં રહી હતી.
ઓગસ્ટમાં માતાપિતા કોરોનાના શિકાર થયા
રિપોર્ટ્સ મુજબ, તમન્ના બેંગ્લુરુની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. એક્સપર્ટની ટીમ તેની સારવાર કરી રહી છે. એક મહિના પહેલાં જ તમન્નાએ જણાવ્યું હતું કે તેના પિતા સંતોષ ભાટિયા અને માતા રજની ભાટિયા કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તમન્નાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે પરિવારના બીજા સભ્યો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ, હવે તે પણ વાઇરસની શિકાર બની ગઈ છે.
આ છે તમન્નાના અપકમિંગ પ્રોજેક્ટ
તમન્ના હાલ તેની તેલુગુ ફિલ્મ સિટીમારનું કામ શરૂ કરવાની રાહ જોઈ રહી હતી. આ ફિલ્મમાં ગોપીચંદ લીડ રોલમાં છે અને આ એક એક્શન ડ્રામા છે. તમન્નાની હજુ એક હિન્દી ફિલ્મ બોલે ચૂડિયાં તૈયાર છે અને એક્ટ્રેસ તે રિલીઝ થવાની રાહમાં છે. રિપોર્ટ્સ અનુસાર તમન્ના જે વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી તે અટકાવી દેવામાં આવ્યું છે. બાકીના મેમ્બર્સને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.