અરુણાચલ પ્રદેશમાં જદયુને જોરદાર આંચકો લાગ્યો હતો. JDUના છ ધારાસભ્યોએ JDU છોડીને ભાજપનો ભગવો ઝંડો પકડી લીધો હતો.

અરુણાચલ વિધાનસભાના બુલેટિનમાં આ માહિતી જાહેર કરાઇ હતી. આ છ જદયુ સભ્યો ઉપરાંત પિપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના એક માત્ર ધારાસભ્ય કાર્ડો નીયગ્યોરે પણ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું.

અરુણાચલ પ્રદેશના નગર નિગમ અને પંચાયતોની ચૂંટણી પછી આ ધારાસભ્યોએ ઊગતા સૂર્યને પૂજવાનું નક્કી કરીને ભાજપનો છેડો પકડી લીધો હતો.

હજુ તો ગયા મહિને નવેંબરમાં જદયુના મોવડી મંડળે ત્રણ ધારાસભ્યો સામે શિસ્તભંગના પગલાં લેતાં નોટિસ મોકલી હતી. ત્યારપછી એ ત્રણેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.એ પહેલાં અરુણાચલ પિપલ્સ પાર્ટીએ એક સભ્યને સસ્પેન્ડ કર્યો હતો.

અત્રે એ યાદ રહે કે 2019માં થયેલી અરુણાચલ વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારની આગેવાની હેઠળના જદયુ પક્ષે પંદર બેઠકો પર ચૂંટણી લડીને સાત બેઠકો જીતી લીધી હતી. રાજ્ય વિધાનસભામાં ભાજપ પછી જદયુ બીજા મોટા પક્ષ તરીકે ઊભર્યો હતો. ભાજપને અરુણાચ વિધાનસભાની ચૂંટણીમાં 41 બેઠકો મળી હતી. હવે જદયુના છ અને પીપીએનો એક સભ્ય ભાજપમાં જોડાતાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 48 થઇ ગઇ હતી. હવે જદયુ પાસે માત્ર એક અને એનપીપી તથા કોંગ્રેસ પાસે ચાર ચાર ધારાસભ્યો છે.

આ વરસે બિહારમાં થયેલી ચૂંટણીમાં પણ ભાજપ ડબલ ગેમ રમ્યો હતો. જદયુને ફટકો પડે માટે ચિરાગ પાસવાનના લોજપને આગળ કરાયો હતો. આમ મતો વહેચાઇ ગયા હતા અને ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો. જો કે નીતિશ કુમાર રાજકારણના અનુભવી ખેલાડી છે અને ગમે ત્યારે સરકારને ગબડાવી શકે છે એ હકીકત ભાજપના નેતાઓ બરાબર સમજે છે એટલે ભાજપના વધુ ધારાસભ્યો હોવા છતાં નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

જે ગેમ બિહારમાં ભાજપે રમી એજ હવે અરુણાચલ પ્રદેશમાં ભાજપ રમી રહ્યો હતો અરુણાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ બી આર વાઘેએ કહ્યું કે જે ધારાસભ્યોએ સામેથી અમારી સાથે જોડાવાની અરજી કરી હતી એમને અમે આવકાર્યા છે. અમે પક્ષપલટો કરાવ્યો નથી. જો કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર હવે ભાજપથી ચેતતા ચાલે તો નવાઇ નહીં. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ચિરાગને આગળ કરીને ભાજપે જદયુને ફટકો માર્યો હતો. નીતિશ કુમાર આ વાત બરાબર જાણે અને સમજે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here