સંભવત: આગામી નવેમ્બર માસમાં યોજાનારી છ મહાનગરપાલિકા,૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી કોરોનાની મહામારીના કારણે હાલ તુરત મુલતવી રાખવાની માગણી વિવિધ કર્મચારી મંડળો, શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જણાવાયું છે કે કુલ ૬૪૧૯ મત વિસ્તારમાંથી ૮૪૦૨ ઉમેદવારોને ચૂંટવાના થાય છે. લાખોની સંખ્યામાં મતદારો તેમાં ભાગ લેશે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જશે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હાલની પરિસ્થિતિમાં પંચાયતોની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુલતવી રાખવી જોઈએ. ચૂંટણીપંચ સમક્ષ જે સંગઠનોએ લેખિતમાં રજૂઆત કરી છે તેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ સહિતનાનો સમાવેશ થાય છે. વિવિધ સંગઠનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે લોકડાઉનના ત્રણ તબક્કા પૂરા કરવા છતાં આ મહામારીને સંપૂર્ણપણે નાથવામાં કે કંટ્રોલ કરવામાં આપણે સફળ રહ્યા નથી. આવી પરિસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન કરવાનો વિચાર સુધ્ધા એક મોટી પડકારરૂપ સમસ્યાનું સર્જન કરી શકે તેવી ભીતિ છે.ચૂંટણી યોજવામાં આવશે તો પ્રત્યેક વિસ્તારો માટે ચૂંટણી અધિકારી, મતદાન મથકના અધિકારી, કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ફરજમાં મુકવામાં આવશે.કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત રાખવો પડશે. અને એક અંદાજ મુજબ ચૂંટણીની પ્રક્રિયામાં દોઢ લાખથી વધુ કર્મચારીઓની આવશ્યકતા ઉભી થશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૨૫ ટકા વધુ સ્ટાફ અનામતમાં રાખવો પડશે. આ બધી પરિસ્થિતિમાં હાલના સંજોગોમાં ચૂંટણી મુલતવી રાખવી જોઈએ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here