પુના સ્થિત જગતની સૌથી મોટા રસી ઉત્પાદક સિરમ ઈન્સ્ટ. ઓફ ઈન્ડિયાના (એસઆઈઆઈ) સીઈઓ આદર પુનાવાલાએ જણાવ્યુ હતુ કે આગામી છ મહિનામાં જ કોવિશિલ્ડના 30 કરોડ ડોઝ ઉત્પાદન કરી શકશે. બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને મેડિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સંયુક્ત રીતે વિકસાવેલી રસી ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે. તેના ઉત્પાદનની જવાબદારી સિરમને મળી છે. પુનાવાલાએ કહ્યુ હતુ કે આ રસીને ભારતમાં મંજૂરી મળે પછી ગણતરીના દિવસોમાં જ તેના ચાપ-પાંચ કરોડ ડોઝ ઉત્પાદિત કરી શકાશે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે અમે જે કંઈ ઉત્પાદિત કરીશું, તેમાંથી અડધો સ્ટોક ભારત સરકાર માટે રાખીશું. બાકીનો સ્ટોક વિશ્વને પુરો પાડીશું.

સિરમ ઈન્સ્ટિટયૂટે ન્યૂમોનિયાની પ્રથમ સ્વદેશી રસી ‘ન્યૂમોસિલ’ બનાવી

ભારતમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે આગામી થોડાક જ દિવસમાં મંજૂરી અપાય તેવી શક્યતા છે. પુનાવાલાએ જણાવ્યુ હતુ કે અમે રસી અંગેની માહિતી સરકારને સુપરત કરી છે અને સરકારને એ સંતોષકારક જણાઈ છે. તેમણેએ પણ કહ્યુ હતુ કે 2021ના શરૂઆતી મહિનામાંઓ રસીની અછત સર્જાશે જ. કેમ કે ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે, જ્યારે ડિમાન્ડ આખા જગતમાં છે. પરંતુ જુલાઈ-ઓગસ્ટ 2021 સુધીમાં સ્થિતિ નોર્મલ થશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ જુલાઇના અંત સુધી ચાલવાની ધારણા રખાતા કોવિડ માટેના વેક્સિનેશન (રસીકરણ)ના અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના અગ્રતાક્રમના લગભગ 30 કરોડ લોકોને આ મહામારીની રસી આપવાની સરકારની વિચારણા છે.

આખા જગતની ન્યૂમોનિયા રસી કરતા સસ્તી હોવાનો પૂનાવાલાનો દાવો : અત્યારે ભારતમાં પરદેશી રસી વપરાય છે

પુના સ્થિત જગતની સૌથી મોટા રસી ઉત્પાદક સિરમ ઈન્સ્ટ. ઓફ ઈન્ડિયાના (એસઆઈઆઈ)એ કોરોનાની રસી ઉપરાંત ન્યૂમોનિયા (ફેફસાંમાં સોજો લાવતો તાવ)ની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. ન્યૂમોસિલ નામની રસી સંપૂર્ણપણે સ્વદેશી છે અને આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા તેને લૉન્ચ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી સિરમના સીઈઓ આદર પુનાવાલાએ ટ્વિટર પર રજૂ કરી હતી.

ઓનલાઈન લૉન્ચિંગ ઈવેન્ટમાં બોલતા પૂનાવાલાએ કહ્યુ

ઓનલાઈન લૉન્ચિંગ ઈવેન્ટમાં બોલતા પૂનાવાલાએ કહ્યુ હતુ કે ભારતે બનાવેલી ન્યૂમોનિયાની આ એકમાત્ર રસી છે. વળી અત્યારે દુનિયામાં ન્યૂમોનિયાની જેટલી રસી છે, તેમાં સૌથી સસ્તી છે. ડૉ. હર્ષવર્ધને કહ્યુ હતુ કે આ રસી ભારતે બનાવી છે, પરંતુ યુનિસેફની મદદથી આપણે તેને જગતના તમામ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડીશું. આ રસી ન્યૂમોનિયાના દસ પ્રકારના વાઈરસ સામે રક્ષણ આપે એવી છે. રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ જ તૈયાર કરાઈ છે.  અત્યારે ભારતમાં પરદેશી કંપની ફાઈઝર અને ગ્લેક્સોસ્મિથકલાઈન દ્વારા બનાવેલી બે રસીઓ વપરાય છે. આ બન્ને રસી પરદેશી હોવાથી થોડી મોંઘી છે.’

કંપનીએ આ રસી આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠન પાથ અને બિલ-મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની મદદથી તૈયાર કરી છે. ન્યૂમોનિયા આખા જગતના બાળકોને કનડતો ઘાતક રોગ છે. પાંચ વર્ષથી નાના બાળકોના મોત માટેનું એક મોટુ કારણ આ રોગ બને છે. ભારતમાં વર્ષે 65 હજાર બાળકો ન્યૂમોનિયાને કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામે છે.  આ રસી થોડા સમય પહેલા જ તૈયાર થઈ હતી અને તમામ ટ્રાયલમાં મંજૂરી પછી હવે સત્તાવાર લૉન્ચ કરવામાં આવી હતી.

કોવાક્સ : રસીના વૈશ્વિક વિતરણ માટે આયોજન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રસીના વૈશ્વિક વિતરણ-આયોજન માટે કોવાક્સ નામે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ મંજૂર થયેલી રસી, તેની ઉત્પાદન ક્ષમતા, વિતરણ, રસીની અસરકારકતા વગેરેની નોંધ રખાશે. ખાસ તો રસીનું સમાન ધોરણે વિતરણ થાય એ માટે પ્રયાસ થશે. કેમ કે અનેક દેશોને રસી મળવાની શક્યતા નથી, જ્યારે કેનેડાએ પોતાની વસ્તી કરતા ત્રણગણી રસી ઓર્ડર કરી રાખી છે. આવી અસમાનતા ઘટાડવા હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોવાક્સના માધ્યમથી કામ કરશે.

મોક ડ્રિલ

ચાર રાજ્યોમાં રસીકરણની નેટ-પ્રેક્ટિસ

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આજે રસીકરણની નેટ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. ડ્રાય રન નામની આ પ્રક્રિયા બે દિવસ ચાલશે. ડ્રાય રન હેઠળ ખરેખર રસી અપાય ત્યારે ઉભા થનારા પડકારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ પ્રક્રિયા દરમિયાન રસીકરણ કેન્દ્રોએ રસીની નોંધણી, રસી આપવાની પ્રક્રિયા, એ પછી રિએક્શન આવે તો સારવાર, રસી આપતી વખતે લેવાની કાળજી, રસી માટે આવનારા લોકો વચ્ચે ડિસ્ટન્સની જાળવણી, રસીની સાચવણી વગેરે મુદ્દાની તપાસ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here