કોવિડ-19ની અસરમાંથી દેશના મોટા ભાગના ઉદ્યોગો બહાર આવી રહ્યા હોવાથી આગામી વર્ષે કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતી કરવાનું પ્રમાણ વધશે તેમ કંપનીઓમાં ખાલી નોકરીઓની માહિતી આપતી એક ખાનગી કંપનીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.આ ખાનગી કંપની દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર 26 ટકા કંપનીઓેનું માનવું છે કે આગામી ત્રણથી છ મહિનામાં કંપનીઓ દ્વારા નવા કર્મચારીઓની ભરતી કરવાનું પ્રમાણ કોરોના પહેલાંની સ્થિતિ જેવું જ થઇ જશે. આ સર્વેમાં ભાગ લેનારી 34 ટકા કંપનીઓનું માનવું છે કે આગામી છથી બાર મહિનામાં કંપનીઓ દ્વારા નવા કર્મચારીઓની ભરતી કરવાનું પ્રમાણ કોરોના પહેલાની સ્થિતિ જેવું જ થઇ જશે.

કંપનીઓ આગામી વર્ષ માટે આશાવાદી
આ સર્વેમાં 1327 કંપનીઓ અને કન્સલટન્ટ્સે ભાગ લીધો હતો. આ સર્વેના તારણ મુજબ કંપનીઓ આગામી વર્ષ માટે આશાવાદી છે. વર્ષ 2020માં મેડિકલ, હેલ્થકેર, આઇટી, બીપીઓ, આઇટીઇએસ સેક્ટરમાં નવી ભરતી પર ખાસ કોઇ અસર જોવા મળી ન હતી. જ્યારે રીટેલ, હોટેલ અને ટ્રાવેલ ઉદ્યોગને મોટા પ્રમાણમાં ફટકો પડયો હતો.

કંપનીઓએ નવી ભરતી કરવાનું શરૂ કરી દીધું
ચાલુ વર્ષના અંતથી જ કંપનીઓએ નવી ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં ભારતમાં કોરોના મહામારી શરૂ થતાં મોટા ભાગની કંપનીઓએ નવી ભરતી કરવાનું બંધ કરી દીધું હતું અને તેની વિરૂદ્ધ કેટલાક કર્મચારીઓને બરતરફ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે હજુ પણ કંપનીઓ દ્વારા કોરોના અગાઉની સ્થિતિ મુજબ નવી ભરતી કરવામાં આવી રહી નથી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં મૂકવામાં આવતા મોટા ભાગની કંપનીઓનું વેચાણ ઘટી ગયું હતું. જેના કારણે કંપનીઓને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી. ઉત્પાદન ઘટી જવાને કારણે કંપનીઓ પાસે કર્મચારીઓની સંખ્યા ઘટાડયા સિવાય અન્ય કોઇ વિકલ્પ બાકી રહ્યો ન હતો.