બિહારના રાજદ પક્ષે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને એવી ઑફર કરી હતી કે તમે તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન બનવા દો, હવે પછીની સંસદીય ચૂંટણીમાં અમે તમને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરીશું. રાજદના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિધાનસભા સ્પીકર ઉદય નારાયણ ચૌધરીએ મુખ્યમંત્રી નીતીશ કુમારને મોટી ઓફર કરી છે તેમણે કહ્યું કે નીતિશ કુમાર તેજસ્વીને મુખ્યમંત્રી બનાવી દે તો તેમને 2024માં પ્રધાનમંત્રી માટે વિપક્ષી પાર્ટીઓ સમર્થન કરી શકે છે. અર્થાત આરજેડીએ સરકારમાં આવવાની ઈચ્છા હજુ પણ છોડી નથી. તેઓ એક વખત ફરીથી નીતિશ કુમાર સાથે જવા તૈયારી કરી રહ્યાનું નજરે આવી રહ્યું છે. આ માટે નીતિશ કુમારને દિલ્હી મોકલવાની ઓફર સુદ્ધાં આપી છે. આનુ કારણ હાલમાંજ બીજેપી અને જેડીયુ વચ્ચે વધી રહેલી ખેંચાતાણી છે.

અરુણાચલ પ્રદેશમાં જદયુના છ ધારાસભ્યોને ફોડીને ભાજપના સભ્ય બનાવ્યા

અરુણાચલ પ્રદેશની ભાજપ સરકાર સ્થિર હોવા છતાં અને કોઇ ઇમર્જન્સી નહીં હોવા છતાં ભાજપે ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં જદયુના છ ધારાસભ્યોને ફોડીને ભાજપના સભ્ય બનાવ્યા હતા. આથી નીતિશ કુમાર ગુસ્સે થયા હતા. અગાઉની તેમની નારાજી તો હતી જ. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે જદયુને ઓછી બેઠકો મળે એવા હેતુથી ભાજપે લોજપાના ચિરાગ પાસવાનને ઊભો કર્યો હતો. ભાજપની એ ચાલ સફળ નીવડી હતી.

નીતિશ કુમારે મુખ્ય પ્રધાનપદ છોડવાની ધમકી સુદ્ધાં ઉચ્ચારી

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હતો. બીજા ક્રમે ભાજપ આવ્યો હતો અને જદયુ ત્રીજા ક્રમે આવ્યો હતો. નીતિશ કુમાર સિવાય કોઇને મુખ્ય પ્રધાન બનાવી શકાય એમ નહોતા એટલે ભાજપે નીતિશને જ શાસન ધુરા સોંપી હતી. પરંતુ અરુણાચલ પ્રદેશની ઘટનાએ નીતિશને વધુ નારાજ કરી દીધા. કોઇ કારણ વિના અરુણાચલ પ્રદેશના અમારા સભ્યોને કેમ તોડ્યા. નીતિશ કુમારે મુખ્ય પ્રધાનપદ છોડવાની ધમકી સુદ્ધાં ઉચ્ચારી. આ પરિસ્થિતિનો લાભ લેતા લાગ જોઇને રાજદે સોગઠી મારી. રાજદે નીતિશ કુમારને એવી ઑફર મોકલી કે અમારી સાથે જોડાઇ જાઓ. આપણે ભાજપને રઝળતો કરી દઇએ. તમે તેજસ્વીને મુખ્ય પ્રધાન બનાવો અમે તમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવીશું.

અત્યારે બિહાર વિધાનસભામાં રાજદ સૌથી મોટો પક્ષ

જો કે જાણકારો કહે છે કે નીતિશ કુમાર રાજદ સાથે જોડાવા તૈયાર નથી. અગાઉ નીતિશ કુમાર લાલુ યાદવની સાથેજ હતા. 2015 પછી બંને વચ્ચે મતભેદો પડ્યા. અત્યારે બિહાર વિધાનસભામાં રાજદ સૌથી મોટો પક્ષ છે. નીતિશ કુમાર સાથ આપે તો રાજદ સરકાર રચી શકે તેમ છે. બીજા કોઇ પક્ષ પાસે પૂરતા સભ્યો નથી. રાજદ અને જદયુ હાથ મિલાવે તો બહુમતી આપોઆપ સિદ્ધ થઇ જાય છે.

નીતિશની જગ્યાએ આરસીપીસિંહને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા

રવિવારે પટનામાં જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં નીતિશની જગ્યાએ આરસીપીસિંહને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. આ ઘટના પર આરસીપી સિંહ તાજા વિવાદ પર બીજેપીને આડેહાથ લઈ રહ્યા છે. આજ જે લોકો સ્ટ્રાઈક રેટની વાત કરી રહ્યા છે તેમણે 2010ની ચૂંટણી યાદ કરવી જોઈએ. જ્યારે જેડીયુનો સ્ટ્રાઈક રેટ 90 ટકા હતો. તે વખતે પણ નીતિશે કહ્યું હતું ચૂંટણી પહેલા બંને દળ વચ્ચે જે નક્કી થયું છે તે મુજબ જ મંત્રી પદની વહેંચણી થશે. અમારી પાર્ટી કોઈના પીઠમાં ખંજર નથી ભોંકતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here