શિવસેનાના સાંસદ અને શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતની પત્ની વર્ષા આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઇ નહોતી. ઈડી દ્વારા તેમને પીએમસી બેંક કૌભાંડમાં વર્ષા રાઉતને સમન મોકલ્યું હતું અને તેમણે 29મી ડિસેમ્બરે હાજર થવા માટે કહેવાયું હતું. જાણકારી મુજબ વર્ષા રાઉત આજે ઈડી ઓફિસે નહીં જાય, તેઓએ પાંચમી જાન્યુઆરી સુધીનો સમય માગ્યો છે.

વર્ષા રાઉતે 55 લાખ રૂપિયાની એક લોન લીધી હતી તેની બાબતમાં તેમની પૂછપરછ

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-એાપરેટિવ બેંકના રૂપિયા 4,335 કરોડના કહેવાતા કૌભાંડ વિશેની પૂછપરછ કરવા માટે ઇડીએ વર્ષા રાઉતને સમન્સ મોકલ્યું હતું. વર્ષા રાઉતે 55 લાખ રૂપિયાની એક લોન લીધી હતી તેની બાબતમાં તેમની પૂછપરછ થવાની છે. કારણ કે જે લોકો પીએમસી કૌભાંડમાં સામેલ છે તેમના તાર આ લોકોથી પણ જોડવામાં આવી રહ્યા છે.

બીજેપી વિરોધી લોકોને સમન મોકલવા સિવાય ઈડી પાસે નથી બીજું કોઈ કામ

રાઉતે કહ્યું હતું કે બીજેપી વિરોધી લોકોને સમન મોકલવામાં આવી રહ્યા છે. ઈડી પાસે આ સિવાય બીજું કોઈ કામ નથી. પરંતુ અમે સરકારી કાગળનો આદર કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે કાયદાને માનીએ છીએ. ઈડી એક તપાસ સંસ્થા છે. પરંતુ નોટિસ અત્યાર સુધી અમને મળી નથી. અમે આનો જવાબ આપીશું. થોડો સમય માગવામાં આવ્યો છે. 4-5 દિવસનો સમય માગ્યો છે. અમારી પાસે 120 લોકોનું લીસ્ટ છે જે આપ્યા પછી ઈડીને કામ મળી જશે. ગયા વર્ષના સપ્ટેંબરમાં આ કૌભાંડની વિગતો પ્રગટ થતાં રિઝર્વ બેંકે પીએમસી બેંકનાં તમામ કામકાજ અટકાવી દીધાં હતાં. ત્યારપછી ઇડીએ હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ)ની માલિકીની રૂપિયા 3,830ની સ્થાવર જંગમ મિલકતો કબજે કરી લીધી હતી.

મને છંછેડવામાં સાર નથી, હું બહુ ડંખીલો માણસ છું

ઇડીએ વર્ષા રાઉતને અત્યાર સુધીમાં ત્રણ વાર સમન્સ મોકલ્યા હતા. વર્ષા એક્કે વાર હાજર થઇ નહોતી. ઊલટું સંજય રાઉતે આક્રમક વલણ દેખાડતાં કહ્યું કે મને છંછેડવામાં સાર નથી, હું બહુ ડંખીલો માણસ છું એ યાદ રાખજો. રાઉત માને છે કે પોતે શિવસેનાના સભ્ય છે અને સતત મોદી સરકારની ટીકા સામના અખબારમાં કરે છે એટલે એની પત્નીને હેરાન કરાઇ રહી હતી. રાઉત એવો દાવો કરે છે કે મને આ લોકો કશું કરી શકતા નથી એટલે મારી પત્નીને હેરાન કરે છે. આ તો સ્ત્રી પર કાયરતા ભરેલો હુમલો કહેવાય.

ઇડીના સમન્સને કાયરતા ભરેલું પગલું ગણાવ્યું હતું

રાઉતે ફરી એકવાર કેન્દ્ર સરકારની ટીકા કરતાં શાયરાના અંદાજમાં કહ્યું હતું કે તુમ લાખ કોશિશ કર લો મુઝે બદનામ કર ને કી, મૈં જબ ભી બિખરા હું, દુગની રફ્તાર સે નીખરા હું. રાઉતે સોમવારે પત્રકાર પરિષદ યોજીને ઇડીના સમન્સને કાયરતા ભરેલું પગલું ગણાવ્યું હતું. રાઉતે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને આવાં સમન્સ મળ્યાં હતાં. હવે મારું નામ આવ્યું છે. અમે બધાએ મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે એટલે અમને સતત નિશાન બનાવવામાં આવે છે. આ તો નરી કાયરતા છે. અમે કોઇથી ડરતા નથી. અમારા પ્રતિભાવ આક્રમક જ રહેશે. ઇડીએ માગેલા દસ્તાવેજો અમે મોકલી આપ્યા છે. હવે એ લોકોને જે કરવું હોય તે કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here