250 રૂપિયાનું ખાવાનું ખાવાના ચક્કરમાં 50,000 રૂપિયાનો ચૂનો લાગ્યો, છે ને આંચકો લાગે તેવી વાત…હકીકતમાં જોઈએ તો, સાઉથ બેંગલુરૂના યેલાચેનાહલ્લીની રહેવાસી 58 વર્ષિય સવિતા શર્મા સાથે આવી છેતરપીંડી થઈ છે. તેણે ફેસબુકમાં આપેલી એક જાહેરાત પરથી ખાવાનું ઓર્ડર કર્યુ હતું. જે તેને આખી જીંદગી યાદ રહેશે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, સવિતા શર્માએ ફેસબુક પર એક રેસ્ટોરંટની જાહેરાત જોઈ હતી, જેમાં ઓફર હતી કે, એક થાળી ઓર્ડર કર્યા પર 2 થાળીઓ ફ્રીમાં મળે છે. જો કે, આ કોઈ ઓફર નહોતી, પણ એક ઓનલાઈન ફ્રોડ હતું. જેની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે શિકાર બની.
આવી રીતે થઈ છેતરપીંડી
જાહેરાતમાં રેસ્ટોરંટનું સરનામું સદાશિવનગર આપ્યુ હતું. સવિતા શર્માએ એડ જોઈને ફોન નંબર પર કોલ કર્યો અને ખાવાનું ઓર્ડર કરવા માગતી હતી. સામેથી વાત કરનારા શખ્સે જણાવ્યુ કે, હાલમાં 10 રૂપિયામાં ઓર્ડર બુક કરાવો, બાકીના પૈસા ઓર્ડર ડિલીવરી વખતે કૈશમાં આપવાના રહેશે.
એક ક્લિક કરતા જ ખાતામાંથી કપાઈ ગયા 49,996 રૂપિયા
સવિતા શર્માના મોબાઈલમાં એક લિંક આવી, જેમાં એક ફોર્મ હતું, તેમા ડેબિટ કાર્ડની વિગતો, પિન નંબર, મોબાઈલ નંબર ભરીને સબમિટ કરવાનું હતુ.બસ અહીંયા જ તેનાથી ભૂલ થઈ ગઈ. તેણે બધી વિગતો ફોર્મમાં ભરી દીધી જે ત્યાં માગી હતી. અને તુરંત જ તેના ખાતામાંથી 49,996 રૂપિયા કપાઈ ગયા. તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેના મોબાઈલ પર મેસેજ આવ્યો. તેણે તરત જ સામે કોલ કર્યો, ત્યાં એટલી વારમાં તો સામેનો નંબર સ્વિચઓફ આવ્યો. બાદમાં સવિતાએ સાઈબર સેલમાં ફરિયાદ કરી, પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.