• કોમ્પ્યુટર ઓપરેટરોએ પગારની માંગ કરી, કેટલીક જગ્યાએ રાજકીય દબાણથી કામગીરી કરવા ઓપરેટરો મજબૂર
  • રાજકોટમાં નવા VCEની નિમણૂંક કરવા નાયબ વિકાસ અધિકારીના આદેશથી હડતાળ પર ઉતરેલા VCEમાં રોષ

તલાટી મંત્રીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળના પગલે ઠેર-ઠેર મગફળી રજિસ્ટ્રેશનની કામગીરી પર અસર થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં તલાટી મંત્રીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાળના પગલે 594 ગામડાઓ પર તેની અસર થઈ રહી છે. કોમ્પ્યુટર ઓપરેટરની માંગ છે કે યોગ્ય પગાર આપવામાં આવે. કેટલીક જગ્યાએ રાજકીય દબાણથી કોમ્પ્યુટર ઓપરેટરો કામગીરી કરવા મજબૂર બન્યાં છે.

594 ગામડાઓમાં 400 જેટલા તલાટી મંત્રીઓની હડતાળ યથાવત્
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર ઉતરી આવ્યા હતા. જે બાદ રાજકોટ જિલ્લા ખાતે આ અંગેની કામગીરી તલાટી મંત્રીઓને કરવા સુચના આપવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા તલાટી મંત્રી મંડળના પ્રમુખ અને ગ્રામ્ય વિસ્તારના કોમ્પ્યુટર ઓપરેટર સાથે ગેરવર્તન કરતાં હડતાળ યથાવત રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગત શનિવારે નાયબ DDO દ્વારા તલાટી મંત્રીઓને હડતાળ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. જેનો એક દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું હતું. જિલ્લાના 594 ગામડાઓમાં 400 જેટલા તલાટી મંત્રીઓની હડતાળ યથાવત્ છે. જેમાં નોટિસ પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી હળતાળ યથાવત રાખવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોમ્પ્યુટર ઓપરેટરને પગાર કરી આપવામા આવે તો હડતાળ સમેટવાની સંમતિ દર્શાવી છે.

રાજકોટમાં નવા VCEની નિમણૂંક કરવા નાયબ વિકાસ અધિકારીના આદેશથી હડતાળ પર ઉતરેલા VCEમાં રોષ
રાજકોટના VCE છેલ્લા ચાર દિવસથી હડતાળ પર છે. રાજકોટના નાયબ વિકાસ અધિકારીએ હડતાળમાં જોડાયેલા VCEને છૂટકારો આપ્યો છે. નવા VCEની નિમણૂંક કરવા તાલુકા વિકાસ અધિકારીઓને આદેશ આપ્યા છે. બજી તરફ રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળે કલેક્ટરને પત્ર લખી જણાવ્યું છે કે, 1 ઓક્ટોબરથી સમગ્ર જિલ્લાના VCE દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જૂના VCEને છૂટા કરી નવા VCEની ભરતી કરવી અને તેમના દ્વારા કામગીરી ચાલુ કરાવી દેવી તો સમગ્ર જિલ્લામાંથી આવું થશે તો કોઈ VCE દ્વારા અઈચ્છનીય પગલું ભરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી અધિકારી અને સરપંચની રહેશે.

જિલ્લાના 11 APMCમાં પુરવઠા ખાતાના સ્ટાફ દ્વારા નોંધણી ચાલુ
રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવની મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનના ચોથા દિવસ બાદ રાજકોટ જિલ્લામાં આજ સવાર સુધી 46000થી વધુ કિસાનોના ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી દેવામાં આવ્યા છે. પંચાયત તલાટીઓ અને વિલેજ કોમ્પ્યુટર સેન્ટરોના ઓપરેટરોની હડતાળથી કામગીરીની કોઇ અસર થઇ નથી. ગામડાઓમાં નોંધણી ઠપ્પ છે. પરંતુ રાજકોટના જુના યાર્ડ ઉપરાંત જિલ્લાના 11 APMCમાં પુરવઠા ખાતાના સ્ટાફ દ્વારા નોંધણી ચાલુ છે.

21 તારીખ સુધી રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે
રાજકોટ શહેર જિલ્લામાં 1 ઓકટોબરથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની 85000 ખેડૂતોની નોંધણીની સાપેક્ષ આ વર્ષે માત્ર ચાર દિવસમાં અડધો અડધ કિસાનોની નોંધણી કરી લેવામાં આવી છે. ગઇકાલે રજાનો દિવસ હોવા છતાં તમામ યાર્ડમાં નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને 21 તારીખ સુધી રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે. એક પણ ખેડૂત બાકી રહી જાય નહીં તેવી કાળજી લેવામાં આવી રહી હોવાનું અધિક કલેક્ટરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here