પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા વેશને લઇને કટાક્ષ કર્યો હતો. મોદીની લાંબી દાઢી અને કપડા પરથી તેઓને રવિન્દ્રનાથ ટાગોરની સાથે સરખાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.જેને પગલે મમતાએ કટાક્ષ કરતા કહ્યું કે કોઇએ (મોદીએ) નવુ રૂપ ધારણ કર્યું છે, ક્યારેક તેઓ ટાગોર બનવા માગે છે, તો ક્યારેક ગાંધીજી. હું પડકાર ફેંકુ છું કે ભાજપ પહેલા 30 બેઠકો જીતીને બતાવે પછી 294 બેઠકો મેળવવાના સપના જુએ.

ભાજપ દરરોજ બનાવટી વીડિયો બનાવી સમાજના ભાગલા પાડવાના પ્રયાસો કરી રહી છે
દિલ્હીથી ભાજપના નેતાઓ પશ્ચિમ બંગાળમાં આવે છે. અહીં ફાઇવ સ્ટાર હોટેલનું ભોજન કરે છે અને દેખાડો એવી રીતે કરે છે જાણે આદિવાસીઓની સાથે ભોજન લેતા હોય. વિવિધ રૂપ ધારણ કરે છે, પણ અમે તો 365 દિવસ રવીંદ્ર નાથ ટાગોરની સાથે છીએ, જ્યારે ભાજપ દરરોજ બનાવટી વીડિયો બનાવી સમાજના ભાગલા પાડવાના પ્રયાસો કરી રહી છે.
દિલ્હીથી પશ્ચિમ બંગાળ આવનારા ભાજપના નેતાઓને ગુરૂદેવ રવિંદ્ર નાથ ટાગોર વિશે કોઇ જ જાણકારી નથી. તેઓ અહીં આવી કહે છે કે અમે સોનાર બાંગ્લા બનાવી દઇશું જ્યારે રવિંદ્ર નાથ ટાગોરે જ સોનાર બાંગ્લા બનાવી દીધુ હતું, આપણે હવે તેને ભાજપ જેવાથી બચાવવાનું છે.

ભાજપ અહીં પૈસાની રેલમછેલ કરવાના પ્રયાસો કરી રહી છે
મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ અહીં પૈસાની રેલમછેલ કરવાના પ્રયાસો કરી રહી છે. મતદારોને અપીલ કરતા મમતાએ કહ્યું કે તમે ભાજપના પૈસા જરૂર લઇ લેજો પણ મત તો ટીએમસીને જ આપજો. ભાજપ હવે આપણા રાષ્ટ્રગિતમાં પણ બદલાવ કરવા માગે છે.
બંગાળની સંસ્કૃતિ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં મંગળવારે મમતાએ રેલી કાઢી હતી. તે પહેલા તેમણે પાંચ કિમી લાંબી પદયાત્રા કરી હતી. અમિત શાહે જે વિસ્તારમાં રોડ શો કર્યો હતો ત્યાં જ મમતાએ પણ રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકો એકઠા થયા હતા.