ચીન અને રશિયાએ આજે કોરોના મહામારીમાં થયેલી ખુવારી અનેકગણી વધારે હોવાની કબૂલાત કરી હતી. જ્યાંથી કોરોના ફેલાયો તે વુહાન શહેરમાં એપ્રિલ મહિનામાં કરવામાં આવેલા સેરોલોજિકલ સર્વે અનુસાર શહેરમાં કોરોના મહામારી સત્તાવાર અંદાજ કરતાં અનેકગણી વધારે ખરાબ જણાઈ હતી.તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આ સર્વેના પરિણામો સૂચવે છે કે 11 મિલિયનની વસ્તી ધરાવતાં આ શહેરમાં 4.4 ટકા લોકોમાં એન્ટીબોડીઝ વિકસી ચૂક્યા હતા. જેના આધારે અનુમાન લગાવી શકાય કે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યા કરતાં દસ ગણો વધારે કોરોનાનો ચેપ ફેલાયો હતો. ચીનના કોરોના મહામારીનો અંકુશમાં લેવાના પ્રયાસોની દુનિયાભરમાં ટીકા થઈ ત્યારે ચીને આક્રમક વલણ અપનાવ્યું હતું.

વુહાન શહેરમાં ઇમરજન્સી રસીકરણ શરૂ
બીજી તરફ ચીને સત્તાવાર રીતે કોઈ રસીને મંજૂર ન કરી હોવા છતાં વુહાન શહેરમાં ઇમરજન્સી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ રશિયામાં પણ કોરોના વાઇરસનો મરણાંક જણાવાયો છે તેના કરતાં ત્રણ ગણો વધારે હોવાનું જાહેર થવાને પગલે રશિયાનું સ્થાન મરણાંકની દ્રષ્ટિએ ત્રીજું થયું છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયાએ કોરોના મહામારીને ખાળવામાં પશ્ચિમિ દેશો કરતાં બહેતર કામગીરી બજાવી હોવાની શેખી મારી હતી પણ કેટલાક રશિયન નિષ્ણાતો પહેલેથી જ સરકાર કોરોના મહામારી મામલે ઢાંકપિછોડો કરી રહી હોવાનું જણાવ્યું હતું.
નાયબ વડા પ્રધાન તાતિયાના ગોલીકોવાએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં કોરોના મહામારીને કારણે મૃત્યુદરમાં 81 ટકાનો વધારો નોંધાયો હતો. બીજા શબ્દોમાં તેનો અર્થ એ કે રશિયામાં કોરોના મહામારીમાં 1,86,000 કરતાં વધારે લોકોના મોત થયા છે.
જેને પગલે રશિયા કોરોનાના કેસોની સંખ્યાની નજરે હવે દુનિયામાં ચોથા ક્રમે છે. પણ રશિયાએ મરણાંક માત્ર 55,265 જ જણાવ્યો છે. હાલ સૌથી વધારે મરણાંક યુએસનો 3,33,140 છે, બીજા ક્રમે બ્રાઝિલનો મરણાંક 1,91,139 છે તો ત્રીજા ક્રમે રશિયાનો મરણાંક સહેજે ત્રણ ગણો વધારે હોઈ શકે છે.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસાએ કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા એક સપ્તાહમાં આવેલા ભારે ઉછાળાને પગલે દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે અને જાહેરમાં માસ્ક ન પહેરનારને ફોજદારી ગુનો ગણી તેની ધરપકડ કરી છ મહિનાની કેદની સજા જોગવાઈ કરી છે.

યુકેમાં ફરી સ્થિતિ વણસી
યુકેમાં નેશનલ હેલ્થ સર્વિસના વડા સર સિમોન સ્ટિવન્સે જણાવ્યું હતું કે યુકેમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. યુરોપ અને યુકેમાં કોરોના મહામારીનું બીજું મોજુ ફરી વળવાને પગલે હોસ્પિટલોમાં દર્દીઓ ફરી ઉભરાવા માંડયા છે.
બીજી તરફ અમુક દેશો એવા છે જેમની પાસે કોરોનાની રસી ખરીદવા માટે પૂરતા નાણાં નથી તો તેઓ સાવ ગરીબ પણ નથી. આ દેશો રસીના મામલે અધવચ્ચે લટક્યા છે. તેઓ રસી મેળવવા માટે અબજો ડોલરના સોદા કરી શકે તેમ નથી તો ઇન્ટરનેશનલ સહાય પણ માગી શકે તેમ નથી.
દક્ષિણ આફ્રિકા જેવા આ દેશોએ રસીકરણ માટે આવતાં વર્ષના મધ્ય કે અંત સુધી રાહ જોવી પડશે. બીજી તરફ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ મહામારીના આ આકરાં વર્ષમાં પણ 125 બિલિયન ડોલરની રકમ ઉભી કરી છે. તેમણે કંપનીઓની મૂડી અને દેવાના અંડરરાઇટિંગ કરીને આ રકમ ઉભી કરી છે.
મર્જર અને એક્વિઝીશનની એડવાઈઝરી ફીમાં થયેલાં ઘટાડાને આ અંડરરાઇટિંગ દ્વારા સરભર કરવામાં આવી છે. જેપી મોર્ગન ચેઝ અને ગોલ્ડમેન સાક્સ જેવી બેન્કોએ આ રીતે રળેલી તેમની ફી ફુલ ફીના ત્રીસ ટકા છે. જેનો આંકડો 37 બિલિયન ડોલર જેટલો મોટો છે. આ જ અરસામાં ઓસ્ટ્રેલિયામાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ ઓર પહોળી થઈ છે.
અબજોપતિઓની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 50 ટકાનો વધારો થયો છે. સામાન્ય પરિવારો માટે કોરોના મહામારીમાં ટકી રહેવાનું મુશ્કેલ બની રહ્યું છે તો બીજી બાજુ ધનવાનોની સંપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. બ્લુમબર્ગ ઇન્ડેક્સ અનુસાર યુએસ અને યુકેમાં પણ ધનવાનોની સંપત્તિમાં આ સમયગાળામાં 25 ટકાનો વધારો થયો છે.