સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આગમન પહેલાં જ ભાજપમાં ભડકો થયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધું છે. કેવડિયા કોલોનીની આસપાસના 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાતાં આદિવાસીઓ રોષે ભરાયાં છે. આ જ મુદ્દે નારાજ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દેતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લેખિતમાં રાજીનામુ મોકલી દીધુ હતું. વસાવાએ એવી પણ ચિમકી આપી છેકે, સત્ર વખતે લોકસભાના સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામું આપી દઇશ. હવે મનસુખ વસાવાને મનાવવા ભાજપની પ્રદેશ નેતાગીરીએ દોડધામ મચાવી છે.

વસાવાએ એવી પણ ચિમકી આપી છેકે, સત્ર વખતે લોકસભાના સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામું આપી દઇશ
નવા વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે ત્યારે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપને અલવિદા કર્યુ છે. વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યું છે જેમાં આરોપ-પ્રતિઆરોપ કર્યા નથી. વસાવાએ રાજીનામાપત્રમાં લખ્યુ છે કે, મારી કામના કરતાં પક્ષે મને ઘણુ આપ્યુ છે.
મારી કામના કરતાં પક્ષે મને ઘણુ આપ્યુ
પક્ષની કેન્દ્રીય નેતાગીરીનો ય આભાર માનુ છુ. પક્ષમાં શક્ય એટલી વફાદારી નિભાવી છે.પક્ષના મૂલ્યો , જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે પરંતુ આખરે તો હું એક માનવી છું.જાણે અજાણે ભૂલ થતી હોય છે.મારી ભૂલને લીધે પક્ષને નુકશાન ન થાય તે માટે રાજીનામુ આપુ છું. વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે,બજેટ સત્ર વખતે દિલ્હી જઇશ ત્યારે સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામુ આપી દઇશ.
બજેટ સત્ર વખતે દિલ્હી જઇશ ત્યારે સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામુ આપી દઇશ
સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ ભાજપમાં દોડધામ મચી છે. વસાવાને મનાવવા કમલમમાં બેઠકો દોર જામ્યો હતો. સૂત્રોના મતે, ભાજપના દિગ્ગજ નેતા-આખાબોલા આદિવાસી નેતા મનસુખ વસાવાએ કેવડિયા માં ઇકો સેન્સિટીવ ઝોનને લઇને સરકારથી નારાજ છે. કેવડિયાના આસપાસના 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરાયો છે ત્યારે આ વિસ્તારના આદિવાસીઓ વિરોધ કરી રહયાં છે.

ખુદ મનસુખ વસાવા પણ એ વાત કહી ચૂક્યા છેકે, મારી રાજનીતિ મારા સમુદાય માટે જ છે. ઉલ્લેખનીય છેકે, વસાવા આ જ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઇ ઉકેલ ન આવતાં નારાજ સાંસદ વસાવાએ પક્ષ છોડવા નિર્ણય લેવો પડયો હતો. આમ, મનસુખ વસાવાના રાજીનામા બાદ ભરશિયાળે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
સાંસદ મનસુખ વસાવા કેમ નારાજ છે તેના આ રહ્યાં કારણો…..
- 20 ડિસેમ્બરે મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એવી રજૂઆત કરી હતી કે, નર્મદા જિલ્લાના નાંદોદ-ગરૂડેશ્વરના 121 ગામોનો ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરાયો છે જેના કારણે સરકારી અધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા માંડયાં છે. લોકોને વિશ્વસમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં ય લવજેહાદના કાયદો બનાવવાની માંગ પણ મનસુખ વસાવાએ કરી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. આદિવાસી છોકરીઓને વેચી દેવાય છે તેવો આક્ષેપ પણ વસાવાએ કર્યો હતો.
- આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોમાં ય ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સરકારને તપાસ કરવા મનસુખ વસાવાએ માંગ કરી હતી.
- આદિવાસી વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને રેતી માફિયાઓની સાંઠગાંઠથી મોટાપાયે નર્મદા નદીમાંથી રેતીખનન થઇ રહ્યું છે તેવા આક્ષેપ કરી તપાસ કરવા વસાવાએ માંગણી કરી હતી.
- આ બધીય રજૂઆતો કરાયા બાદ પણ ભાજપના સાંસદની વાત ભાજપ સરકારે વાત સાંભળી ન હતી.