- પોલીસ માત્ર દારૂ પકડીને જ માને છે સંતોષ, મૂળ સુધી પહોંચવામાં નાકામ
રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના પ્રદેશોમાંથી દર મહિને કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય પરંતુ કંપનીઓ અને દારૂ મોકલનાર બૂટલેગર સુધી નથી લેવાતા પગલાં : કચ્છની પોલીસ કચ્છમાં જ કાર્યવાહી કરીને કંઈક કર્યાનો માને છે આત્મસંતોષ : સ્થાનિકે શરાબનો જથ્થો મંગાવનાર મોટા માથાઓના નામ ખુલવા છતાં કડક કાર્યવાહી કરવામાં પાછીપાની કરાતી હોવાનો વર્તારો
કચ્છ આખાયનો ઠેકેદાર-માલપુરો કરનારો બુટલેઘર ભરત જ હોવાની છે ચકચાર : જિલ્લાભરમાં ખાસ કરીને હરિયાણાની ફેકટરીઓથી આવતો માલ ભરતનો જ હોવાની છે ચર્ચા : અમદાવાદ વાળો જીતુ બંધ થયો અને હવે કચ્છના જ કુખ્યાત બુટલેગર ભરતે આખા જિલ્લાનો લીધો ઠેકો : અગાઉ કચ્છમાં અમદાવાદથી જીતુનો દારૂ ઠલવાતો હવે વાગડથી લઈ અબડાસા સુધી ભરતનો છે બોલબાલા
ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લા છેલ્લા કેટલાક સમયથી પ્રોહીબીશનની બદી વધી ગઈ છે, પરંતુ તેને ડામવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ નિવડી હોય તેવો વર્તારો દેખાઈ રહ્યો છે. કારણ કે લાખો રૂપિયાનો શરાબ ઝડપાય તોય બૂટલેગરો હાથ લાગતા માત્ર ડ્રાઈવર – ક્લિનરને પકડીને સંતોષ મનાવામાં આવે છે. કયાંક છુટાછવાયા દરોડા પડે તો ભાગ્યે જ આરોપી હાથ લાગે છે. જિલ્લામાં ખાખીધારીઓ માત્ર દારૂનો જથ્થો પકડે છે, પરંતુ મૂળ સુધી કાર્યવાહી ન કરતા હોવાથી બેરોકટોક પણે શરાબનો જથ્થો આ જિલ્લામાં ઠલવાઈ રહ્યો હોવાનું સ્પષ્ટ પણે માનવામાં આવે છે. જિલ્લામાં મોટા પાયા પર દારૂનો જથ્થો ઝડપાવા સાથે છુટાછવાયા દરોડામાં પણ દારૂની બોટલો જ મળી આવે છે, પરંતુ મૂળ સુધી પહોંચવામાં પોલીસ નાકામ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના પ્રદેશોમાંથી દર મહિને કરોડો રૂપિયાનો દારૂ જિલ્લામાં ઠલવાય છે. આ દરોડમાં મોટા ભાગે ટ્રક સાથે ડ્રાઈવર ઝડપાય છે, પરંતુ દારૂનો જથ્થો કોણે મંગવ્યો અને કોણે મોકલ્યો તેના નામ ઠામ ખબર હોવા છતાં હજુ સુધી જિલ્લામાં દારૂ મોકલનાર કે મંગવનાર પકડાતા નથી. સ્થાનિક પોલીસ કંપનીઓ અને દારૂ મોકલનાર બૂટલેગર સુધી પગલાં લેવા સક્ષમ નથી તેવું જણાઈ આવે છે. ખાસ કરીને વાત કરીએ તો સામખિયાળીથી લઈ માંડવી સુધી દારૂ બદી ધૂમ વ્યાપેલી છે અવાર નવાર લાખો રૂપિયાનો શરાબ ઝડપાય છે, પરંતુ જિલ્લામાં કયારેય પણ મૂળ સુધી કાર્યવાહી થઈ હોય તેવો કોઈ કિસ્સા સામે આવ્યો નથી.કચ્છની પોલીસ કચ્છમાં જ કાર્યવાહી કરીને કંઈક કર્યાનો આત્મસંતોષ માને છે, જેની પાછળ રાજકીય પીઠબળ અને ખનખનિયાનો હાથ હોવાથી આગળની કાર્યવાહી ધપતી નથી. જો આરોપીઓના નામો ખુલ્લે તો કોર્ટ કચેરીની મદદ લઈ આંટીઘુટીમાં છુટીને બહાર આવી જાય છે. ઘણી વાર સક્ષમ પોલીસ અધિકારીઓ મૂળ સુધી જવા ઈચ્છે છે, પરંતુ તાબેના અધિકારીઓના દબાણ અથવા તો રાજકીય પ્રેસર આવી જતાં મામલાને માત્ર ગુનો નોંધી દબાવી દેવામાં આવે છે અને ધરપકડ ટાળવા કોર્ટમાંથી સ્ટે લઈ લેવાય છે. બૂટલેગરો નીચેથી લઈ ઉપર સુધી હપ્તા પહોંચાડતા હોવાથી મૂળ સુધી કાર્યવાહી ન થતી હોવાનું ચર્ચાના કેન્દ્રમાં છે.