કોરોના વાઈરસ મહામારીને ધ્યાનમાં રાખીને રાજપથ પર પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ઘણાં ફેરફાર થવાની શક્યતા છે. પરેડમાં ભાગ લેનારી ટીમોનું કદ ઘટશે અને પરેડનું અંતર ઘટાડવામાં આવશે અને અગાઉના વર્ષોની તુલનામાં ઓછા લોકોની હાજરી રહેશે. સુત્રોએ બુધવારે આ વિશે જાણકારી આપી.
દર વર્ષે ભારત રાજપથ પર 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પોતાની સૈન્ય શક્તિ, સમુદ્ધ સાંસ્કૃતિક વિશેષતા અને સામાજીક આર્થિક ઉન્નતિની ઝાંખીઓ રજૂ કરે છે. પ્રજાસત્તાક પરેડની ભવ્યતા તો જળવાય રહેશે પરંતુ મહામારીને ધ્યાનમાં રાખી ટુકડીઓનું કદ સિમિત કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને આમંત્રિત કરાયા
ભારતમાં પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને આમંત્રિત કરાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, કોરોનાના દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને સમારોહ માટેની તૈયારી કરવામાં આવી કરવામાં આવી રહી છે.
સુત્રોએ જણાવ્યું કે, લગભગ 25 હજાર લોકોને સમારોહ જોવા માટે જવાની મંજુરી આપવામાં આવશે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મંજુરી નહી હોય. સામાન્ય રીતે ગણતંત્ર દિવસ દરમિયાન લગભગ એક લાખ લોકો પરેડ જોવા આવે છે. પરેડમાં ભાગ લેનારી ટીમોના કદમાં પણ કાપ મુકવામાં આવશે. સામાન્ય રીતે એક ટુકડીમાં 144 કર્મી હોય છે પરંતુ આ વખતે 96 સભ્યોની ટુકડીની મંજુરી હશે. પરેડનું અંતર પણ ઘટાડવામાં આવશે. પરેડ વિજય ચોકથી શરૂ થઈને લાલ કિલ્લાની જગ્યાએ નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે.

પરેડમાં ભાગ લેનારા કર્મીઓ માટે સરકારનો આ નિર્ણય
પ્રજાસત્તાક દિવસ અને સેના દિવસ પરેડ માટે 2 હજારથી વધારે સૈન્યકર્મી નવેમ્બરના અંતિમ દિવસોમાં દિલ્હી પહોંચી ગયા અને સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખી તેમને સુરક્ષિત માહોલમાં રાખવામાં આવ્યા છે. આ કર્મીઓને છાવણી વિસ્તારમાં સેફ બબલ(સંક્રમણથી સુરક્ષિત માહોલ)માં રાખવામાં આવ્યા છે અને પરેડમાં ભાગ લેનારા કર્મીઓને 26 જાન્યુઆરી સુધી બહારના માહોલ સાથે કોઈ સંપર્ક નહી રહેશે. સેના દિવસ 15મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ભારતીય નૌસેના અને વાયુસેનાએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. પરેડ માટે વાયુસેનાની બે ટૂકડીઓને પસંદ કરવામાં આવી છે અને તેમાથી એક ટુકડી તેમાં ભાગ લેશે.