કોરોના વાયરસનો ભોગ લોકો બની રહ્યા છે તેવામાં છેલ્લા કેટલાક સમયમાં નેતાઓએ કરેલી રેલી અને સરઘસ પણ વિવાદનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો પણ વાયરલ થયા છે જેમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હોય. તેવામાં આગામી દિવસોમાં યોજાનારી પેટાચુંટણીમાં પણ રેલીઓ થવાની શક્યતાઓ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં થયેલી રાજકીય રેલીઓને લઈને લાલ આંખ કરી છે.
સુઓમોટો સંજ્ઞાન લઈ આ મામલે હાથધરાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજકીય નેતાઓની રેલીમાં થયેલા સોશિયલ ડિસ્ટન્સના અભાવ અને નિયમોના ભંગને લઈને ટકોર કરી છે. હાઈકોર્ટે રાજ્યમાં ઠેર-ઠેર થયેલી રાજકીય નેતાઓની રેલી અને સરઘસની ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે આ મામલે રાજકીય પક્ષોને ટકોર કરી હતી અને કહ્યું કે નેતાઓ પ્રજાના માર્ગદર્શક હોય છે અને તેઓ જ તેમને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ત્યારે નિયમો ભંગ કરનાર નેતા અને લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસુલવામાં આવે તેવું પણ કોર્ટે કહ્યું છે.