ભારતમાં કોરોના મહામારી છેલ્લા કેટલાક સમયથી એકંદરે નિયંત્રણમાં આવી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬ ટકાને પાર થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨૭ થઈ છે. આવા સમયમાં ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની સંભાવનાઓ વધી રહી છે. દેશમાં રસી ઉપલબ્ધ થતાં રસીકરણ કાર્યક્રમમાં કોઈ સમસ્યાઓ ન આવે તે માટે ચાર રાજ્યોમાં રસીકરણની ડ્રાય રન સફળ રહ્યા પછી હવે દેશના બધા જ રાજ્યોમાં બીજી જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે. આ સાથે કેન્દ્ર સરકારે ૮૬ કરોડ સિરિંજનો ઓર્ડર આપ્યો છે.

કોરોના

ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં મળવાની શરૂ થઈ જશે

ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં મળવાની શરૂ થઈ જશે. આવા સમયમાં રસીકરણના કાર્યક્રમમાં કોઈ અવરોધો ઊભા ન થાય તે માટે દેશના બધા જ રાજ્યોમાં બીજી જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે. અગાઉ સરકારે ૨૮મી અને ૨૯મી ડિસેમ્બરે ચાર રાજ્યો ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ અને પંજાબમાં રસીની ડ્રાય રનનું સફળ આયોજન કર્યું હતું.

કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કોરોનાની રસી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે અનેક ટોચના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત કોરોનાના રસીકરણ માટે ચાલી રહેલી તૈયારીઓની સમિક્ષા કરી હતી. બીજી જાન્યુઆરીએ બધા રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછી ત્રણ જગ્યાઓ પર રસીકરણ કાર્યક્રમનું રિહર્સલ (ડ્રાય રન) થશે.

મહારાષ્ટ્ર અને કેરળ પાટનગરના બદલે અન્ય મોટા શહેરોમાં પણ ડ્રાય રનનું આયોજન કરી શકે છે. ડ્રાય રનનો આશય રસીકરણ કાર્યક્રમમાં આવતી સમસ્યાઓ તપાસવાનો છે. આ ડ્રાય રનમાં રસીકરણ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ કો-વિન એપ્લિકેશન રસીકરણ સમયે કેવી રીતે કામ કરે છે તેની પણ તપાસ થશે. શુક્રવારે કોરોના રસીના દેશમાં ઈમર્જન્સી વપરાશની મંજૂરી પર નિષ્ણાત પેનલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં રસીકરણ કાર્યક્રમને સહાયરૂપ થવા બધા જ રાજ્યોને ૮૮ પાનાની કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી જાહેર કરી હતી.

કોરોના

ભારતમાં કોરોનાના નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધીને ૨૭ થઈ

દરમિયાન ભારતમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓમાં મળેલા કોરોનાના નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધીને ૨૭ થઈ ગઈ છે. બધા જ ૨૭ કોરોના સંક્રમિત દર્દીઓને ફિઝિકલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં વધુ ચાર કેસ અને દિલ્હી સ્થિત ઈન્સ્ટિટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટીવ બાયોલોજી (આઈજીઆઈબી)માં એક કેસ સામે આવ્યો છે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો, પ્રવાસીઓ અને અન્ય લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, કોરોના રસી સામેની લડતમાં ભારતે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ ૯૬ ટકાને પાર થઈ ગયો છે. દેશમાં વર્ષ ૨૦૨૧ની પૂર્વ સંધ્યાએ ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૩૭૦ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૨૪૪નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૦૨,૮૬,૩૧૨ થયા છે અને મૃત્યુઆંક ૧,૪૮,૯૫૮ થયો છે. આ સાથે કોરોનાના કુલ ૯૮,૮૧,૩૪૮ દર્દીઓ સાજા થયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું છે.

દરમિયાન કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગના રાજ્યોએ બીજી જાન્યુઆરી સુધી નાઈટ કરફ્યૂ લાદી દીધો હતો. આથી ગુરુવારે દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ સહિત અનેક શહેરોમાં નવા વર્ષની ઊજવણી ફીકી થઈ ગઈ હતી. અનેક શહેરોમાં તંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. મુંબઈમાં નવા વર્ષની ઊજવણીમાં અનિચ્છનિય બનાવ ટાળવા ૩૫,૦૦૦થી વધુ પોલીસ જવાનોને રસ્તા પર ખડકી દેવાયા હતા.

કોરોના

ભારત વિશ્વમાં બીજા ક્રમનો પીપીઈ કીટ ઉત્પાદક દેશ

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, છેલ્લા નવ મહિનામાં સરકારી હોસ્પિટલોમાં ૩૬,૪૩૩ વેન્ટિલેટર અપાયા છે, જેનો પડતર ખર્ચ બે લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયા સુધીની છે. ફેબુ્રઆરી-માર્ચમાં આ કિંમત ૧૫ લાખ રૂપિયા હતી. દેશમાં માર્ચ પછી પીપીઈ કીટના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે ભારત હવે દુનિયાનો બીજા ક્રમનો પીપીઈ કીટ ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં દૈનિક ૧૦ લાખથી વધુ પીપીઈ કીટ બની રહી છે. દેશમાં હાલ ૧૭૦૦થી વધુ પીપીઈ કીટ ઉત્પાદકો અને સપ્લાયર્સ છે. લગભગ ૧૭૦ લાખ પીપીઈ કીટ્સનું મફત વિતરણ થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ પીપીઈ કીટનો બફર સ્ટોક માર્ચમાં બે લાખની સરખામણીએ વધીને ૮૯ લાખ થઈ ગયો છે. નવ મહિનામાં પીપીઈ કીટની સરેરાશ કિંમત રૂ. ૬૦૦થી ઘટીને રૂ. ૨૦૦ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here