ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત રહી હતી. કેટલાય રાજ્યોમાં ધુમ્મસ અને ઝાકળ છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાય સ્થળોએ તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું.
દિલ્હીમાં હાડ ગાળતી ઠંડી
પાટનગર દિલ્હી હાડ ગાળતી ઠંડીમાં થીજી ગયું હતું. દિલ્હીમાં ડિસેમ્બરનું તાપમાન ૧૫ વર્ષમાં બીજી વખત સૌથી નીચે રહ્યું હતું. ધુમ્મસ અને કોલ્ડવેવના કારણે દિલ્હીની દિનચર્યા ઠંડી રહી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દિલ્હીનું સરેરાશ મિનિમમ તાપમાન ડિસેમ્બરમાં ૭.૧ ડિગ્રી નોંધાયું હતું.
જમ્મુ-કાશ્મીરના કેટલાય સ્થળો શૂન્યથી નીચે થીજી ગયા હતા. ગુલમર્ગનું તાપમાન માઈન ૧૦.૪, શ્રીનગરનું માઈનસ ૫.૯, કુપવાહાનું માઈનસ ૫.૮, કોકરનાગનું માઈનસ ૭.૮ નોંધાયું હતું. કાશ્મીરમાં ૪૦ દિવસનો ચિલાઈ કલાનનો સમયગાળો ચાલતો હોવાથી ભારે બર્ફિલો પવન શરૃ થયો છે.

આબુમાં તાપમાનનો પારો માઈનસ ૪.૪ ડિગ્રીએ સ્થિર
તે ઉપરાંત હિમાચલ પ્રદેશના પણ કેટલાય સ્થળોનું તાપમાન શૂન્યની નીચે પહોંચ્યું હતું. કીલોંગ માઈનસ ૧૨.૨ ડિગ્રી સાથે હિમાચલનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. તે ઉપરાંત કલ્પા માઈન ૩.૮ મનાલી માઈનસ ૧.૬ ડિગ્રીએ થીજી ગયા હતા.રાજસ્થાનના માઉન્ટ આબુનું મિનિમમ તાપમાન માઈનસ ૪.૪ ડિગ્રીએ સ્થિર થયું હતું. રણ વિસ્તારોમાં પણ ઠંડો પવન અનુભવાયો હતો. પંજાબ-હરિયાણાના કેટલાય સ્થળો ઠંડાગાર થયા હતા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ઠંડો પવન ફૂંકાયો હતો. ઉત્તર પ્રદેશમાં ભારે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ રહ્યું હતું. એના કારણે દિવસભર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.ઉત્તર ભારત સહિત આખા ભારતમાં નવા વર્ષની શરૃઆત કાતિલ ઠંડી સાથે થઈ હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ૭મી જાન્યુઆરીથી આખાય ઉત્તર ભારતમાં કોલ્ડવેવ વધે એવી પણ શક્યતા છે.