– યોગી સરકારે બીજા 15 IAS અધિકારીને પણ ટ્રાન્સફર કર્યા

હાથરસ કેસમાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ફરજચૂક કરી હતી એવા અલાહાબાદ હાઇકોર્ટના ઠપકા પછી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે હાથરસના ડીએમ ઉપરાંત બીજા 15 IAS અધિકારીની બદલી કરી નાખી હતી.

બિહારની જેમ ઉત્તર પ્રદેશમાં પણ નવા વર્ષના પહેલા દિવસે રાજ્ય સરકારે ધડાધડ બદલી કરી હતી. હાથરસના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પ્રવીણ કુમાર લશ્કરને મિર્ઝાપુરના ડીએમ બનાવવામાં આવ્યા હતા. પ્રવીણ કુમાર ફરજ પર હતા ત્યારે 2020ના સપ્ટેંબરની 14મીએ એક દલિત યુવતી પર ગેંગરેપ કર્યા બાદ એને મારી નાખવાના પ્રયાસો થયા હતા, એ .યુવતી દિલ્હીની એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 29મી સપ્ટેંબરે મરણ પામી હતી. પોલીસે એના પરિવારને અંતિમ સંસ્કારથી દૂર રાખીને અર્ધી રાત્રે એ યુવતીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. અલાહાબાદ હાઇકોર્ટે પ્રવીણ કુમારની ઝાટકણી કાઢી હતી. સાથોસાથ પોલીસની પણ આકરી ટીકા કરી હતી. અર્ધી રાત્રે અંતિમ સંસ્કાર કરવાની ફરજ શા માટે પડી એવો જવાબ પણ પ્રવીણ કુમાર અને રાજ્ય પોલીસ પાસે કોર્ટે માગ્યો હતો.

હવે યોગી સરકારે પ્રવીણ કુમારને હાથરસથી ખસેડીને મિર્ઝાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવ્યા હતા. એમના સ્થાને .યુપી જળ નિગમના વધારાના ડાયરેક્ટર જનરલ રમેશ રંજનને હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોંડાના જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિન બંસલ, નોઇડાના વધારાના સીઇઓ શ્રુતિ અને બલરામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટની પણ બદલી કરવામાં આવી હતી.

કુલ 15 IAS ની રાતોરાત બદલીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કોઇ વાજબી કારણ આપવામાં આવ્યું નહોતું. પ્રવીણ કુમારના કિસ્સામાં તો અલાહાબાદ હાઇકોર્ટે કરેલી ટીકા નિમિત્ત બની હતી. બાકીના પંદર સનદી અમલદારોની કયા કારણે બદલી કરવામાં આવી એની કોઇ વિગત કે સ્પષ્ટતા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી નહોતી. જો કે અહીં એક મોટો ફરક હતો. બિહારમાં જદયુના પ્રમુખ આર સી પી સિંઘની પુત્રી લિપિ સિંઘને નવેસર એસપી તરીકે કામ કરવાની સગવડ અપાઇ હતી. એવી કોઇ તરફદારી કે પક્ષપાત યુપીની બદલીમાં થયો હોય એવું જાણવા મળ્યું નહોતું. રાજ્ય સરકારે માત્ર બદલીની જાહેરાત કરી હતી. એથી વિશેષ કોઇ વિગત જાહેર કરવામાં આવી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here