દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ ખેડૂતો દ્વારા 3 કૃષિ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં ખાનગી એપીએમસીઓના કારણે હાલમાં જે એપીએમસી વ્યવસ્થા છે તે ખતમ થઈ જવાનો ખેડૂતોને ભય છે. જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જે વચ્ચે ગુજરાત બીજેપીના ધારાસભ્યે તો ખાનગી એપીએમસી માર્કેટયાર્ડ બનાવવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે. અમદાવાદના વટવા નજીકમાં બીજેપી ધારાસભ્યે ખાનગી માર્કેટયાર્ડ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કરી દીધું છે. ખેડૂતોને જે ભય છે એ જ થઈ રહ્યું હોય તેમ હજુ મોટી કંપનીઓ કે બિઝનેસમેનો આ સેક્ટરમાં ઝંપલાવે તે પહેલા ગુજરાતમાં તો ભાજપા ધારાસભ્યે કૃષિક્ષેત્રમાંથી મલાઈ તારવી લેવા માટે ખાનગી યાર્ડ બનાવવાની પહેલ કરી દીધી છે.

કૃષિક્ષેત્રની મલાઈથી વંચિત ન રહેવા પૂરજોશમાં આરંભી તૈયારી

કૃષિ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ આવશે ત્યારે આવશે પરંતુ બીજેપી ધારાસભ્યોએ અત્યારથી કૃષિક્ષેત્રની મલાઈથી વંચિત ન રહી જાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. દેશભરમાં 3 નવા કૃષિકાયદાના વિવાદ વચ્ચે ખાનગી માર્કેટિંગ યાર્ડનું કાર્ય શરૂ થતાં જ ઠેરઠેર ચર્ચાઓ ચાલુ થઈ છે. આ ખાનગી માર્કેટયાર્ડનું નામ કર્ણાવતી એગ્રીકલચર માર્કેટિંગ યાર્ડ નામ અપાયું છે. આ ખાનગી માર્કેટયાર્ડ ગુજરાત દસક્રોઈના MLA બાબુ જમનાદાસ પટેલનું માર્કેટિંગ યાર્ડ છે. હાલમાં થયેલા ભૂમિપૂજન બાદ આ માર્કેટયાર્ડ 1 વર્ષની અંદર કાર્યરત કરવાના પ્લાનિંગ સાથે તમામ કામકાજ કરાશે, હાલમાં કેટલાક વેપારીઓ દ્વારા બુકીંગ પણ કરાવવામાં આવ્યું હોવાની બીજેપીમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી છે.

પ્રાઈવેટાઈઝેશનથી હાલની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો ભય

સરકાર ખેડૂતોના હામી થવા અને આવક ડબલ કરવાના પ્રયાસો કરી રહી છે. એવું સમજાવવા માટે ગુજરાત ભાજપાએ ઠેરઠેર કાર્યક્રમો કરી મોદી સરકાર દ્વારા લવાયેલા કાયદાઓ ખેડૂતોના લાભ માટે છે. પરંતુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રના ખાનગીકરણનો મોટો ભય સતાવી રહ્યો છે. શિક્ષણના ખાનગીકરણથી જેમ સરકારી સ્કૂલોની આવરદા ટૂંકી થઈ તેમ ખાનગી એપીએમસી થવાને કારણે હાલની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો પણ ભય છે.

નાના વેપારીઓ અને ખેડૂતો સાથેની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો ડર

સરકાર કૃષિ ક્ષેત્રના નવા કાયદાઓ લાવી ખેડૂતો માટે વિવિધ તકો ઉભી કરી રહી હોવાનું સતત જણાવી રહીછે પરંતુ હજુ સુધી ખેડૂતોના ગળે આ વાત ઉતારી શકી નથી. વિવિધ તબક્કાઓની બેઠકો પણ નાકામિયાબ રહી છે. મોદી સરકાર માટે કાયદા પરત લેવા અહમનો સવાલ થઈ ગયો છે. હાલમાં સુધારા માટે સરકાર ખેડૂતોને પ્રપોઝલો આપી રહી છે. પરંતુ ખેડૂતો આ કાયદાને પરત કરાવવા અડગ છે. ખેડૂતોને કૃષિક્ષેત્રમાં મોટી કંપનીઓ, બિઝનેસમેનો આ સેક્ટરમાં ઝંપલાવશે તો હાલની જે નાના વેપારીઓ અને ખેડૂતો સાથેની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો ડર છે.

7 તબક્કાઓની બેઠક છતાં મોદી સરકાર ખેડૂતોને મનાવવા ન થઈ સફળ

દેશભરમાંથી ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવતા સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને ભય છે કે મોટા બિઝનેસમેનો આ સેક્ટરમાં આવીને એમએસપી, એપીએમસીને ખતમ કરી નાંખશે. સરકારે લાવેલા 3 નવા કાયદાઓના વિરોધ વચ્ચે ખેડૂતો વચ્ચે 7 તબક્કાઓની બેઠક છતાં મોદી સરકાર ખેડૂતોને મનાવવા સફળ થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here