બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર મળ્યા પછી મહામારીનો કેર વધ્યો છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 55,000થી વધુ કેસ સામે આવ્યા છે અને વધુ 964નાં મોત નીપજ્યાં છે. યુરોપીયન દેશમાં મહામારી શરૂ થયા પછી પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

ફાયઝર

WHO એ આપી રસીને મંજૂરી

અમેરિકા અને ફ્રાન્સમાં પણ કોરોના વાઈરસની યુકે આવૃત્તિના કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને ઇમરજન્સીમાં વાપરવા માટે મંજૂરી આપી દેતાં હવે યુરોપ-અમેરિકાની જેમ ગરીબ દેશોમાં પણ કોરોનાની આ રસી ઉપલબ્ધ બનશે.

WHO

અનેક દેશોને મળશે લાભ

દરેક વિકસિત દેશમાં રેગ્યુલેટર્સ કોરોનાની રસીને મંજૂરી આપે છે પરંતુ અનેક દેશમાં આવી વ્યવસ્થા ન હોવાથી તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી પર મદાર રાખે છે. આ મંજૂરીને પગલે આ કોરોનાની રસીને આયાત કરવાના અને રસી આપવાના દરવાજા અનેક દેશોમાં ખૂલી જશે.

કોરોના

રસીના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે આ રસીને ખૂબ નીચા તાપમાને સંગ્રહવી પડતી હોઈ જે દેશોમાં વીજપુરવઠો અનિયમિત હોય અને ફ્રીઝરની વ્યવસ્થા ન હોય તે દેશોમાં તે ડિલિવરી પ્લાન ગોઠવી આપશે.

કોરોના

દુનિયાભરમાં કુલ 8 કરોડથી વધુ કોરોના કેસ

દુનિયામાં આજે કોરોનાના નવા દોઢ લાખ ઉપરાંત કેસો નોંધાવા સાતે કુલ કેસોની સંખ્યા વધીને 8,39,48,229 થઈ હતી જ્યારે 3525 જણ મૃત્યુ પામતાં કોરોનાનો કુલ મરણાંક વધીને 18,28,440 થયો છે. દરમ્યાન યુકેમાં કોરોના વાઇરસના નવા વધારે ચેપી પેટા પ્રકારને કારણે 55,892 નવા કેસો નોંધાયા હતા અને 964 જણાના મોત થયા હતા.

નવા વાયરસના સંક્રમણની સંખ્યા વધી

રોયલ કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર માઇક એડમ્સે જણાવ્યું હતું કે જે લોકો માસ્ક ન પહેરતાં હોય કે જે લોકો સામાજિક અંતર ન જાળવતાં હોય તેમને જોઈને ક્રોધ આવે છે. હવે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. 70 ટકા વધારે ચેપી મનાતો વાઇરસ પ્રસર્યા બાદ લંડન અને આસપાસના વિસ્તારોમાં નવા ચેપની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. નવા કેસો, હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુદર વચ્ચેનો સમયગાળો જોતા આગામી મહિનાઓમાં મહામારી ઓર વકરી જવાની ભીતિ છે. યુકે હવે યુરોપમાં મરણાંકની દ્રષ્ટિએ 74,000 મોત સાથે બીજા ક્રમે છે.

ફ્લોરિડામાં સામે આવ્યો નવ વાયરસનો કેસ

દરમ્યાન યુએસમાં ફ્લોરિડા રાજ્યમાં માર્ટિન કાઉન્ટીમાં એક યુવાનને યુકેના કોરોના વાઇરસના પેટા પ્રકારનો ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે. આ યુએસમાં ત્રીજો કેસ છે. બી.1.1.7. નામનો આ નવો વાઇરસ પ્રથમ કોલોરાડો અને કેલિફોર્નિયામાં દેખાયો છે. આ યુવાને પણ ક્યાંય તાજેતરમાં પ્રવાસ કર્યો નથી.

શેરબજારમાં હલચલ

હાલ સીડીસી અને ફ્લોરિડાનો આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે. એક તરફ કોરોના મહામારી માઝા મુકી રહી છે તો બીજી તરફ  વોલસ્ટ્રીટમાં પણ તેજીના આખલાએ હડી કાઢી છે. આ વર્ષે નાસ્ડેક કોમ્પોઝીટ 44 ટકા કરતાં વધારે વધ્યો હતો. ટેસ્લા અને ઝુમ જેવી કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મલ્યો હતો. ટેસ્લાના ભાવમાં 750 ટકાનો ઉછાલો જોવા મળ્યો હતો.

ફિલિપાઇન્સના પ્રમુખના અંગરક્ષકે દાણચોરીથી કોરોના રસી મેળવી

ફિલિપાઇન્સના પ્રમુખ દુતેર્તના એક અંગરક્ષકે દાણચોરીથી કોરોના રસી મેળવી તે લીધા બાદ પ્રમુખને તેની જાણ કરી હતી. દેશના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે સરકારે કોઈ કોરોના રસીને મંજૂરી આપી નથી તેથી તેની દાણચોરી કરવામાં આવી હતી. પણ તેમણે અંગરક્ષકના પગલાને વાજબી ઠેરવતાં જણાવ્યું હતું કે તેનાથી પ્રમુખને કોરોનાનો ચેપ લાગતો નિવારી શકાશે. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે અંગ રક્ષકે કઈ કોરોના રસી દાણચોરીથી મેળવી હતી તે અને તેણે કઈ રસી મુકાવી છે તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here