શેરબજાર રેગ્યુલેટર સેબીએ શુક્રવારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને તેના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ અન્ય બે કંપનીઓને નવેમ્બર ૨૦૦૭માં અગાઉની રિલાયન્સ પેટ્રોલિયમ લિ. (આરપીએલ)ના શૅર્સના ટ્રેડિંગમાં ચેડાં બદલ દંડ ફટકાર્યો છે. સેબીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ને રૂ. ૨૫ કરોડ અને મુકેશ અંબાણીને રૂ. ૧૫ કરોડનો દંડ કર્યો છે. વધુમાં સેબીએ નવી મુંબઈ સેઝ પ્રા. લિ.ને પણ રૂ. ૨૦ કરોડ અને મુંબઈ સેઝ લિ.ને રૂ. ૧૦ કરોડનો દંડ ચૂકવવા નિર્દેશ આપ્યો છે.

નવેમ્બર ૨૦૦૭માં રિલાયન્સ પેટ્રોલિયમ લિ. (આરપીએલ)ના શૅર્સની કેશ અને ફ્યુચર્સ સેગ્મેન્ટમાં વેચાણ અને ખરીદી સંબંધિત કેસમાં સેબીએ આ પગલું લીધું છે. રિલાયન્સ પેટ્રોલિયમ લિ. અગાઉ અલગથી લિસ્ટેડ કંપની હતી. માર્ચ ૨૦૦૭માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ પેટ્રોલિયમના ૪.૧ ટકા શૅર વેચવાની જાહેરાત કરી હતી. રિલાયન્સની જાહેરાતને પગલે આરપીએલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

નવેમ્બર ૨૦૦૭માં આરપીએલના શૅર્સનું વ્યાપક સ્તરે ખરીદ-વેચાણ થયું હતું. પાછળથી આરઆઈએલની પેટા કંપની રિલાયન્સ પેટ્રોલિયમનું ૨૦૦૯માં પેરેન્ટ કંપનીમાં વિલય કરી દેવાયું હતું. સેબીને તપાસમાં જણાયું હતું કે, શૅરોના ભાવ પર અસર કરવા માટે અયોગ્ય રીતે ખરીદ-વેચાણ કરાયું હતું. સામાન્ય રોકાણકારને આ ટ્રેડિંગ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જ હાથ હોવાનો ખ્યાલ નહોતો.

સેબીના એડજ્યુડિકેટિંગ અધિકારી બી. જે. દિલિપે ૯૫ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, બજારમાં શૅરોના ભાવ અથવા વોલ્યુમમાં કોઈપણ પ્રકારના ચેડાંથી બજારમાં રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, કારણ કે આ પ્રકારનાં અયોગ્ય ટ્રેડિંગમાં સામાન્ય રોકાણકારોને જ સૌથી વધુ નુકસાન થાય છે. એ જ રીતે આ કેસમાં સામાન્ય રોકાણકારોને એ ખ્યાલ નહોતો કે એફએન્ડઓ સેગ્મેન્ટટમાં સોદાઓ પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જ હાથ છે. ગેરકાયદે રીતે થયેલા આ સોદાઓથી કેશ અને એફએન્ડઓ સેગ્મેન્ટસ બંનેમાં આરપીએલના ભાવમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ આવ્ય હતા અને સામાન્ય રોકાણકારોને નુકસાન થયું હતું.
સેબીએ જણાવ્યું હતું કે, બજારમાં શૅર્સ સાથે આ પ્રકારના ચેડાંની પ્રવૃત્તિઓ સામે આકરાં હાથે કામ લેવું જોઈએ. ટ્રિબ્યુનલે સેબીના અગાઉના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો હતો. સેબીએ અગાઉ આરપીએલ કેસમાં ૨૪ માર્ચ ૨૦૧૭ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય એકમોને રૂ. ૪૪૭ કરોડ જમા કરાવવા જણાવ્યું હતું. નવેમ્બર ૨૦૨૦માં સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી)એ આ આદેશ સામે કંપનીની અરજી ફગાવી દીધી હતી. તે સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે તે ટ્રિબ્યુનલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.