અમેરિકામાં વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન વર્કર્સના હિતો માટે ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ છે તેવા એચ-૧બી વિઝા સહિત વિદેશી વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરનો પ્રતિબંધ ૩૧મી માર્ચ સુધી લંબાવ્યો છે. આ સાથે ટ્રમ્પે નવા વર્ષે ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સને જોરદાર ઝટકો આપ્યો છે. જોકે, નવનિયુક્ત ઉપપ્રમુખ કમલા હેરીસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ પર લગાવેલા પ્રતિબંધો હટાવવા માટે કોંગ્રેસમાં એક બિલ લાવશે.

ટ્રમ્પે પ્રતિબંધોને ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નવો આદેશ જાહેર કર્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે એપ્રિલ ૨૨ અને જૂન ૨૨ના રોજ બે વખત વિવિધ કેટેગરીના વર્ક વિઝા પર પ્રતિબંધો મૂકવાના આદેશ આપ્યા હતા. ટ્રમ્પે ૨૨મી જૂને વર્ક વિઝા પર મૂકેલા પ્રતિબંધો ૩૧મી ડિસેમ્બરે પૂરા થતા હતા. આ પ્રતિબંધો પૂરા થવાના કેટલાક કલાક પહેલાં જ ટ્રમ્પે પ્રતિબંધોને ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નવો આદેશ જાહેર કર્યો હતો. ટ્રમ્પે પ્રમુખ બન્યાના થોડાક જ દિવસમાં મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો પર પ્રવાસ પ્રતિબંધો મૂકવાની સાથે શરૂ થયેલી ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિ તેમના પ્રમુખપદેથી વિદાય થવાના ૨૦ દિવસ પહેલાં સુધી ચાલુ રહી છે. જોકે, અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બિડેને અગાઉ એચ-૧બી વિઝા પર મૂકાયેલા પ્રતિબંધો ઊઠાવી લેવાનું વચન આપતા કહ્યું હતું કે, ટ્રમ્પની ઈમિગ્રન્ટ્સ વિરોધી નીતિ ક્રૂર છે અને તે અમેરિકન અર્થતંત્ર માટે નુકશાનકારક છે.
પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે, અમેરિકાના શ્રમ બજાર અને અમેરિકન સમાજના સ્વાસ્થ્ય પર કોરોનાની અસર ચિંતાજનક બાબત છે. એવામાં બેરોજગારી દર, રાજ્યો દ્વારા લાગુ વ્યવસાયો પર મહામારી સંબંધિત પ્રતિબંધ અને જૂનથી કોરોના સંક્રમણમાં વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. આ પ્રતિબંધોના કારણે અમેરિકામાં કામ કરવા માટે વિદેશમાંથી આવેલા લોકો દ્વારા ઉપયોગ કરાતા અનેક કામચલાઉ વિઝાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. તેમાં એચ-૧બી વિઝાનો સમાવેશ થાય છે, જે ટેનિકલ ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય બિન કૃષિ મોસમી શ્રમિકો માટે એચ-૨બી વિઝા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

પ્રતિબંધ લંબાવવા માટે ટ્રમ્પે દબાણનો સામનો કરવો પડયો
સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે એયુ ડયુઅલ અને શોર્ટ ટર્મ શ્રમિકો માટે આપવામાં આવતા જે-૧ વિઝા અને એચ-૧બી તથા એચ-૨બી વિઝા ધારકોના જીવનસાથી માટેના વિઝા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કંપનીઓના અમેરિકામાં કર્મચારીઓને ટ્રાન્સફર કરવા માટે અપાતા એલ વિઝા પર પણ પ્રતિબંધ લાગુ છે. આ પ્રતિબંધ ૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ પૂરો થશે. જરૂર પડતાં તેને લંબાવી પણ શકાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧માં વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરનો પ્રતિબંધ લંબાવવા માટે ટ્રમ્પે દબાણનો સામનો કરવો પડયો હતો. કેટલાક સહયોગી પક્ષોનું કહેવું છે કે અમેરિકન અર્થતંત્ર હજી સંપૂર્ણપણે મહામારીમાંથી બેઠું થવામાં સફળ થયું નથી. ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બાઈડેન શપથ લેશે. તેમણે ટ્રમ્પની અનેક ઇમિગ્રેશન નીતિઓ રદ કરવાની જાહેરાત કરી છે.
નવનિયુક્ત ઉપપ્રમુખ કમલા હેરિસે મંગળવારે જ ટ્વીટ કરી હતી કે, તેઓ અમેરિકન કોંગ્રેસમાં એક બિલ લઈને આવશે, જેમાં ૧.૧ કરોડ એવા લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ હશે, જેમની પાસે દસ્તાવેજો નહીં હોય. અમેરિકામાં ૬.૩ લાખ ભારતીયો છે, જે કોઈપણ દસ્તાવેજો વિના વર્ષ ૨૦૧૦ પછીથી વસવાટ કરી રહ્યા છે.