આજથી શરૂ થયેલા નવા વર્ષે પણ ભારતીય શેરબજારમાં તેજીની ચાલ અકબંધ રહેવા સાથે આજે સેન્સેક્સમાં 47868 અને નિફટીમાં 14018નો નવો વિક્રમ રચાયો હતો.કોરોના વાઇરસના નવા સંક્રમણ વચ્ચે તેની રસી માટેની તડામાર તૈયારીઓ તેમજ આગામી સમયમાં વધુ રાહતો જાહેર થવાની સંભાવના પાછળ વિદેશી રોકાણકારોએ નવી લેવાલી ચાલુ રાખી હતી.

સેન્સેક્સ ઓલટાઇમ હાઇને સ્પર્શી વિક્રમી સપાટીએ બંધ રહ્યો
આ અહેવાલો પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં બેતરફી વધઘટ બાદ નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રાડે વધીને 47980.36ની ઓલટાઇમ હાઇને સ્પર્શી કામકાજના અંતે 117.65 પોઇન્ટ વધીને 47868.98ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઈ ખાતે નિફટી પણ નવી લેવાલી પાછળ ઇન્ટ્રાડે 14000ની સપાટી કુદાવીને 14049નો નવો ઇતિહાસ રચી કામકાજના અંતે 36.75 પોઈન્ટ વધીને 14018.50ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સની તેજીના પગલે રોકાણકારોની સંપત્તિ (બીએસઈ માર્કેટ કેપ) રૂા. 1.24 લાખ કરોડ વધીને રૂા. 189.27 લાખ કરોડ પહોંચી હતી. આજે વિદેશી રોકાણકારોએ રૂા. 506 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.