દૂધ સાગર ડેરીની ચૂંટણી આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે અપપ્રચારની ભરમાર વધવા માંડી છે. વિપુલ ચૌધરીના કાર્યકાળમાં દૂધનો ભાવ ફેર ઓછો મળતો હોવાના આક્ષેપ કરી મતદારોને ભરમાવા આવી રહ્યા છે. જેને લઈને હવે આ બાબતોના જાણકારો આગળ આવ્યા છે અને સાચી વાતથી મતદારોને વાકેફ કરી રહ્યા છે.
વિપુલ ચૌધરીના સમયગાળામાં દૂધના ભાવ ફેર ઓછા મળતા, સાગર દાણનાં ભાવ વધારે લેવાયા છે, આવો પ્રચાર કરીને હાલમાં દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીને હરાવવા માટેનો અપ-પ્રચાર કરવામા આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ડેરીની રગે રગથી વાકેફ એવા પશુપાલકો અને મતદારો મેદાનમાં આવી ગયા છે. અને અપ-પ્રચાર કરી રહેલા લોકોને સજ્જડ જવાબ આપી રહ્યા છે.
પશુપાલકોના હામી એવા માનસંગભાઈના પ્રતાપે જ દૂધ સાગર ડેરીના પાયા નંખાયેલા. ત્યારે એ વાતને યાદ કરીને વૃદ્ધો પણ માનસંગભાઈનું લોહી જ શુધ્ધ વહીવટ કરી શકશે એવું જણાવી રહ્યા છે.
દૂધ સાગર ડેરીની ચૂંટણી આ વખતે સામ, દામ, દંડ અને ભેદથી લડાઈ રહી છે. સહકાર વિભાગમાં આ વખતે જે ગંદુ રાજકારણ ભળ્યું છે. તેનાથી પશુપાલકો નારાજ ચોક્કસ છે અને એટલે જ આવી ગંદી રાજનીતિ રમનારાઓને દૂધ સાગર ડેરીના દરવાજા બહાર કાઢવાની તૈયારી તેમણે કરી લીધી છે.