કેન્દ્રીય જીએસટી ઓથોરિટીએ ગેરકાયદે પાન-મસાલા ઉત્પાદન એકમની રૂ. ૮૩૦ કરોડથી વધુની ટેક્સ ચોરી ઝડપી હતી અને આ સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાન-મસાલાના ઉત્પાદક એકમે નોંધણી કરાવ્યા વિના અને ડયુટી ચૂકવ્યા વિના ગુટખા-પાન મસાલા, તમાકુની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કર્યું હતું અને ગુપ્ત રીતે તે સપ્લાય કરીને GSTની ચોરી કરતું હતું.

ઉત્પાદકના પરિસરની તપાસ કરતાં જણાયું હતું કે આ એકમમાં ગુટખા, પાન મસાલા, તમાકુના ઉત્પાદનોનું ગેરકાયદે ઉત્પાદન થતું હતું. અધિકારીઓના દરોડા દરમિયાન ગોડાઉન, મશીનો, કાચા માલ અને પરિસરમાં તૈયાર ઉત્પાદનોના પુરાવા પણ મળી આવ્યા છે તેમ દિલ્હી પશ્ચિમના સેન્ટ્રલ ટેક્સ કમિશનરની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું. ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાંથી ૬૫ મજૂરો પણ મળી આવ્યા છે. નિવેદનમાં જણાવ્યા મુજબ અધિકારીઓએ પરિસરમાંથી ગુટખાના તૈયાર પેકેટો, ચૂનો, સાદો કાથો, તમાકુના પાન જેવો કાચો માલ જપ્ત કર્યો હતો, જેનું મૂલ્ય રૂ. ૪.૧૪ કરોડ જેટલું છે. સ્થળ પરથી એકત્ર કરાયેલા પુરાવા, કાચા માલનો જથ્થો, કબૂલાતનામાના આધારે કુલ રૂ. ૮૩૧.૭૨ કરોડની કરચોરી કરાઈ હોવાનું જણાયું છે. ગુટખાના ઉત્પાદનો વિવિધ રાજ્ય એકમોમાં સપ્લાય કરવામાં આવતા હતા. 

કરચોરીના આશયથી કોઈપણ ઈનવોઈસ વિના માલની ખરીદી, ઉત્પાદન અને સપ્લાયમાં સંડોવણી બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી અપાયો હતો. પાન-મસાલાનું ગેરકાયદે એકમ દિલ્હીના બુદ્ધ વિહાર વિસ્તારમાં ચાલતું હતું તેમ અધિકારીએ જણાવ્યું હતું. બુદ્ધ વિહારના મુખ્ય બજારમાં સ્થિત ઈમારતમાં દરોડા સમયે ૧૪ જેટલા ગુટખા ઉત્પાદન મશીનો કામ કરતા હતા. દિલ્હી ઝોને જીએસટી ચોરીને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૪,૩૨૭ કરોડની જીએસટી ટેક્સ ચોરી ઝડપી છે અને આ સંદર્ભમાં ૧૫ લોકોની ધરપકડ કરાઈ છે તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here