દેશ અને દુનિયામાં કોરોના હજુ હાજર છે. ભલે અમેરિકા, બ્રિટન અને ભારતમાં રસીકરણ શરૂ થઇ ગયું છે પરંતુ કોરોના ગયો નથી ત્યાં ભારતમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી હતી. ઓછામાં ઓછાં ત્રણથી ચાર રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હવે હિમાચલ પ્રદેશમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક હજાર પક્ષીઓ મરણ પામ્યાં હતાં. મરણ પામેલાં પક્ષીઓના સેમ્પલ ભોપાલની એક લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

કોરોના

કોટા અને પાલી જિલ્લામાં એકસોથી વધુ કાગડા મરેલા મળી આવ્યા

શનિવારે રાજસ્થાનમાં કોટા અને પાલી જિલ્લામાં એકસોથી વધુ કાગડા મરેલા મળી આવ્યા હતા. અત્યાર અગાઉ પણ ઝાલાવાડ જિલ્લામાં બર્ડ ફ્લૂની અસર હોવાના સમાચારને સમર્થન મળ્યું હતું. હવે બર્ડ ફ્લૂ રાજસ્થાનના પાંચ જિલ્લામાં ફેલાઇ ચૂક્યો હોવાના અહેવાલ હતા. શનિવારે બારાંમાં 19, ઝાલાવાડમાં 15 અને રામગંજ મંડીમાં 22 કાગડા મરણ પામેલાં મળી આવ્યા હતા. એ સાથે એકલા કોટા જિલ્લામાં અત્યાર સુધીમાં 177 કાગડા મરણ પામ્યા હતા. બારાં જિલ્લામાં એક કિંગફિશર અને મેગપાઇનું પણ મરણ થયું હતું. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 13 કાગડા મરેલા મળી આવ્યા હતા.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ કરતાં હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂની અસર વધુ જોવા મળી હતી. એક અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશમાં એક હજાર પક્ષીઓ મરણ પામ્યાં હતાં. બર્ડ ફ્લૂ અથવા એવિયન ફ્લૂ પક્ષીમાંથી પક્ષીમાં ફેલાય છે. બર્ડ ફ્લૂ ક્યારે મહામારીમાં પરિણમે કોઇ કહી શકે નહીં. ચેપ લાગેલી મુરઘી કે બીજા પક્ષી દ્વારા આ રોગ ફેલાઇ શકે છે અને પક્ષીઓ દ્વારા માણસમાં પણ એનો ચેપ ફેલાઇ શકે છે. અત્યારે શિયાળો હોવાથી હજારો વિદેશી પક્ષીઓ અહીં આવ્યાં છે એટલે ક્યારે બર્ડ ફ્લૂનો ચેપ વ્યાપક રીતે ફેલાઇ શકે છે એ કહેવું મુશ્કેલ છે.

બર્ડ ફ્લૂનાં લક્ષણો

બર્ડ ફ્લૂનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવાં જ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે અને સતત ઊલટી થાય ત્યારે બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યાનો અણસાર આવતો હોય છે. સતત કફ રહે, નાક વહ્યા કરે, માથું દુઃખ્યા કરે, ગળામાં સોજો આવે, ઝાડા થાય, સતત ઊબકા આવે અને ઊલટી થયા કરે, આંખમાં કન્જક્ટીવાઇટીસની અસર જણાય વગેરે લક્ષણો બર્ડ ફ્લૂના હોઇ શકે છે.

ખાસ કરીને મરઘી પાળતા લોકોમાં આ વાઇરસની અસર જલદી થાય છે. પોલ્ટ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપભેર બર્ડ ફ્લૂની ચપેટમાં આવી શકે છે. અત્યારે તો આ ત્રણ રાજ્યો પૂરતી વાત છે. પરંતુ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં હાજર હોય ત્યારે કોરોનાની જેમ બર્ડ ફ્લૂનો ચેપ ફેલાવાનો પણ ભય રહે છે એવું વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here