કોરોના વેક્સીન આવતા જ્યાં દેશવાસીઓને અને સરકારોને આંશિક રાહત થઇ ન થઇ ત્યાં તો દેશ સામે વધુ એક સંકટ ઘેરાવા લાગ્યું છે. દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂનો રોગ ફેલાઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલ અને કેરળ સુધી બર્ડ ફ્લૂથી હાહાકાર મચી ગયો છે જેને જોતા અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશમાં અનેક કાગડાઓના મોત

મધ્યપ્રદેશમાં 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 376 કાગડાઓના મોત થઇ ગયા છે. તેમાં સૌથી વધુ 142 કાગડાઓના મોત તો માત્ર ઇન્દોરમાં થયા છે. આ ઉપરાંત, મંદસૌરમાં 100, આગરા-માલવામાં 112, ખરગોન જિલ્લામાં 13, સીહોરમાં 9 કાગડાઓના મોત થઇ ચુક્યા છે. પશુપાલન મંત્રી પ્રેમ સિંહ પટેલે જણાવ્યું છે કે મૃત કાગડાઓના સેમ્પલ ભોપાલના સ્ટેટ ડી.આઈ. લેબમાં મોકલવામાં આવ્યા છે. ઇન્દોર અને મંદસૌરથી મોકલવામાં આવેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ હોવાનું સામે આવ્યું છે. બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા છે કે ભલે હાલ પોલ્ટ્રી પક્ષીઓમાં કોઈ લક્ષણ ન જોવા મળ્યા હોય પરંતુ તેમ છતાં પોલ્ટ્રી અને પોલ્ટ્રી ઉત્પાદ બજાર ફાર્મ, જળાશયો અને પ્રવાસી પક્ષીઓ પર ખાસ નજર રાખવામાં આવે.

હિમાચલમાં પણ બર્ડ ફ્લૂની દહેશત

હિમાચલ પ્રદેશના કાંગડાના પોંન્ગ ડેમના જળાશયમાં હજારોની સંખ્યામાં માર્યા ગયેલ પ્રવાસી પક્ષીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ થયેલ પ્રવાસી પક્ષીઓના સેમ્પલ ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમની રિપોર્ટમાં H5N1 (બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઇ હતી. બર્ડ ફ્લૂની ખાતરી થતા વહીવટી તંત્રએ ડેમની આસપાસ માંસ અને ઈંડા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હરિયાણામાં અનેક મરઘાંઓના મોત

હરિયાણાના બરવાળા વિસ્તારમાં રહસ્યમયી રીતે મૃત્યુ પામેલ મરઘાંઓને કારણે વિસ્તારમાં એવિયન ફ્લૂનો ખતરો ઉભપ થયો છે. અહીં લગભગ એક લાઠ મરઘાં અને બચ્ચાંઓના મોત થયા છે. મરઘાંઓના શંકાસ્પદ મૃત્યુનો સિલસિલો 5 ડિસેમ્બરથી શરૂ થયો હતો. જણાવી દઈએ કે બરવાળા વિસ્તારમાં 110 મરઘાં ફાર્મ માંથી લગભગ 24 જેટલા ફાર્મમાં મરઘાંઓના શંકાસ્પદ મોત થઇ ચુક્યા છે/ મરઘાંઓના મોત બાદ પંચકુલા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થઇ ગયું છે. રાજ્યના પશુપાલન વિભાગએ અસરગ્રસ્ત ફાર્મમાં મોતને ભેટેલા 80 મરઘાંઓના સેમ્પલ એકત્રિત કરી તપાસ માટે જાલંધરની રિજનલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

માણાવદરમાં 53 પક્ષીઓના શંકાસ્પદ મોત

ગુજરાતના જૂનાગઢમાં પણ બર્ડ ફ્લૂનું જોખમ ઉભું થયું છે. અહીં માણાવદર તાલુકાના બાંટવા પાસે એક સાથે 53 પક્ષી મૃત હાલતમાં મળી આવતા હાહાકાર મચી ગયો હતો. પક્ષીઓના મોતની જાણકારી વનવિભાગને થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોતને લઈને તમામ મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વેન વિભાગને શંકા છે કે આ તમામ પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા છે.

દક્ષિણ ભારત પહોંચ્યો બર્ડ ફ્લૂ

ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં જ્યાં બર્ડ ફ્લૂના કિસ્સા વધી રહ્યા છે તો દક્ષિણમાં પણ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેરળના અલ્લાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં બર્ડ ફ્લૂના કિસ્સા સામે આવ્યા છે. બર્ડ ફ્લૂના કેસ સામે આવતા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે, કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે અને બંને જિલ્લામાં કવિક રિએક્શન ટીમો QRT તૈનાત કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં બંને જિલ્લામાં અનેક બતક મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના 8 જેટલા સેમ્પલ ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 5 સેમ્પલમાં બર્ડ ફ્લૂના વાયરસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં 1700 જેટલા બતકના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here