અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની જાહેરાત આગામી 10થી 15 દિવસમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને સમાંતર આપ અને ઓવૈસીની પાર્ટી પણ બાંયો ચડાવવા માંડી છે. ભાજપના હાલના 140 કોર્પોરેટરોમાંથી 60થી વધુ કપાશે તેવી હવા ઉભી થઈ જતાં વર્તમાન કોર્પોરેટરોએ તેમની ખુરશી બચાવવા દોડધામ શરૂ કરી દીધી છે. આપ પાર્ટીએ તો જુદાં જુદાં વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવા માંડયા છે અને 21 જેટલાં ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે.

ભાજપ

અમદાવાદ મ્યુનિ.માં 2005થી સતત ત્રણ ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે. એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં ભાજપની હાલની 140 બેઠકો છે, તે વધવાની ધારણા છે. પક્ષની બેઠકમાં 172 પ્લસનું ટાર્ગેટ રાખવામાં આવી રહ્યું છે. કેમકે ગઈ 2015ની ચૂંટણી વખતે પાટીદાર આંદોલન પરાકાષ્ટાએ હોવાથી કોંગ્રેસને 15 જેટલી બેઠકોનો ફાયદો થયો હતો. આ વખતે આવું કોઈ જ પરિબળ ના હોવાથી વધેલી બેઠકો જાળવી શકશે કે નહીં તે પણ શંકા છે.

એમાં પણ લઘુમતિ વિસ્તારોમાં ઓવૈસીના ઉમેદવારો ઉભા રાખશે તો ત્યાં પણ કોંગ્રેસને નુકશાન થવાની ભીતિ છે, કેમકે શાહપુર, દરિયાપુર, જમાલપુર, સરખેજ, મક્કમતમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ વગેરે વિસ્તારોમાં કોંગ્રેસના 21 કોર્પોરેટરો ચૂંટાયેલા છે. આ ઉપરાંત ઓવૈસીની મોજુદગી હિન્દુત્વનું ધ્રુવીકરણ કરશે જેનો દેખીતો ફાયદો ભાજપને થશે.

‘આપ’ ઉમેદવારો ઉભા રાખે છે, તે ભાજપ કે કોંગ્રેસ કોના મતો બગાડે છે. તે જોવાનું રહે છે. આપવાળાઓએ શહેરમાં કોઈ જ અસરકારક કાર્યક્રમો કે આંદોલન કર્યા ના હોવાથી લોકોમાં હજુ જોઈએ તેવી ઇમેજ ઉભી કરી શક્યા નથી. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ શહેર કોંગ્રેસ પ્રજાકિય પ્રશ્નો લઈને એક પણ અસરકારક આંદોલન નથી કર્યું. વી.એસ. બંધની સ્થિતિમાં આવી ગઈ ત્યારે ધારાસભ્યો રોડ પર આવ્યા હતા પણ શહેર કોંગ્રેસ તેનું પાણી બતાવી શકી ના હતી. આ તમામ સંજોગોના કારણે એન્ટી ઇન્કમ્બન્સી છતાં ભાજપની બેઠકો વધવાની ધારણા છે.

હાલ ભાજપના 140 કોર્પોરેટરો છે. એકનું કોરોનામાં અવસાન થયું છે. એકને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા છે. જ્યારે કોંગ્રેસના 50 કોર્પોરેટરોમાંથી બે કોર્પોરેટરો ભાજપ તરફ ઢળેલા છે. એકનું કોરોનામાં અવસાન થયું છે. બીજી તરફ નવા સીમાંકન 41 અનામત બેઠકો જે જે વોર્ડમાં જાહેર કરાઈ ત્યાં ઉમેદવારો બદલાશે, આ પૈકી મોટાભાગના ભાજપના છે. ઉપરાંત ભાજપના શહેર પ્રમુખ બદલાશે તેવી હવા પણ ઘણા સમયથી ઉભી થયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here