જૂનાગઢઃ હાલ કોરોના મહામારી માણસોને પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે હવે દેશમાં પક્ષીઓ પર મહામારીનો ખતરો ઘેરાઈ રહ્યો છે. દેશમાં બર્ડફ્લૂ ધીમે ધીમે માથું ઉંચકી રહ્યો છે. દેશના ઘણાં રાજ્યો બર્ડફ્લૂની ઝપેટમાં આવી ગયાં છે. હરિયાણામાં એક લાખ મરઘીના મોત થયા છે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પણ બર્ડફ્લૂએ એન્ટ્રી કરી છે તો ગુજરાતના જૂનાગઢના માણાવદરમાં 50થી વધારે પક્ષીઓના મોત થયાં છે. આ મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતાં.

53 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા
માણાવદરમાં 2 જાન્યુઆરીના રોજ બતક, ટિટોડી અને બગલા સહિત અન્ય વિદેશી પક્ષીઓ મળીને કુલ 53 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. પશુચિકિત્સક વિભાગે પહેલા બર્ડફ્લૂની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, મૃત પક્ષીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ બર્ડફ્લૂના કારણે થયું નથી પરંતુ ફૂડ પોઈઝનિંગના કારણે પક્ષીઓ મોતને ભેટ્યા હતાં. મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થવાના કારણે પક્ષીપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે.

અનેક રાજ્યો બર્ડફ્લૂની ઝપેટમાં
બર્ડફ્લૂની આશંકાના કારણે અનેક રાજ્યોએ એલર્ટ ઘોષિત કર્યું છે. નોંધનીય છે કે સૌથી પહેલા રાજસ્થાનના પાંચ જિલ્લાઓમાં 60થી વધારે કાગડાઓ મૃત મળી આવ્યા હતાં. જ્યારે હિમાચલમાં ગત અઠવાડિયામાં પોંગ ડેમ અભ્યારણ્યમાં 1000થી વધુ પ્રવાસી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. કેન્દ્ર સરકારે પહેલાથી જ પક્ષીઓના મોત થવા સંબંધે એલર્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે જાપાનમાં પણ નવેમ્બર મહિનાથી જ બર્ડફ્લૂએ કાળો કહેર વર્તાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here