પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિધાનસભા ચૂંટણી અગાઉ તૃણમુલ કોંગ્રેસને સતત ઝાટકા લાગી રહ્યાં છે. મંગળવારે મમતા સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ પણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું. લક્ષ્મી રતન શુક્લા બંગાળ સરકારમાં રમત મંત્રી હતા, પરંતુ મંગળવારે જ તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે હાલ તેઓ ટીએમસીના ધારાસભ્ય પદે જ છે.

ભાજપમાં નહીં રાજકરણની બહાર જશે શુક્લા

એક અહેવાલ અનુસાર લક્ષ્મી રતન શુક્લા ભાજપમાં જવાના નથી, તેઓ તો રાજકરણથી જ દૂર જવા માગે છે. મંગળવારે તેમણે મંત્રી પદ છોડવાની સાથે ટીએમસી જીલ્લા અધ્યક્ષના પદેથી પણ રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી રતન શુક્લા ટીમ ઈન્ડિયા માટે 3 વન-ડે રમી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમી ચૂક્યા છે. ગત વિધાન સભા સમયે તેઓ રાજકરણમાં આવ્યા, બંગાળના હાવડા ઉત્તરથી ધારાસભ્ય બન્યા બાદ તેમને રમત અને યુવા મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા.

ઘણા નેતાઓ છોડી ચૂક્યા છે ટીએમસીનો સાથ

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, પરંતુ તે પહેલા ટીએમસીને એક પછી એક ઝાટકા વાગી રહ્યાં છે. પહેલા શુભેન્દુ અધિકારીએ મંત્રી પદેથી રાજીનામું આપી પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જે પછી તેમના ઘણા સમર્થકો, ટીએમસી ધારાસભ્યો પણ પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

પ્રશાંત કિશોર- અભિષેક બેનર્જીનો દબદબો

ટીએમસીનો સાથ છોડનારા નેતાઓનો આરોપ છે કે જ્યારથી પક્ષમાં અભિષેક બેનર્જી, પ્રશાંત કિશોરનો દબદબો વધ્યો છે, ત્યારથી પક્ષમાં કામ બરાબર નથી થઈ રહ્યું. જોકે તાજેતરમાં મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરી કહ્યું હતું કે, અમુક લોકોને તેમના પક્ષમાંથી લઈ જવાથી કંઈ ફેર પડશે નહીં અને બંગાળમાં ફરી ટીએમસીની જ સરકાર બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here