સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમદાવાદ નોર્થની ટીમના અધિકારીઓએ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના ૧૦૩ નંબરના ફ્લેટમાં રહેતા ભરતભાઈ ભગવાનદાસની રૂ. ૨૪૩૫.૯૬ કરોડના બોગસ બિલ બનાવીને રૂ. ૭૨.૨૫ કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌભાંડમાં બીજી જાન્યુઆરીએ ધરપકડ કરીને તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરતાં તેને ૧૪ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.

બોગસ બિલિંગના આ છાંટા અમદાવાદના સી.જી. રોડ, શિવરંજની, આનંદનગર રોડ સહિતના દસથી પંદર જ્વેલર્સના નામ આ કૌભાંડમાં ખુલવાની સંભાવના છે. શિવરંજની, સી.જી. રોડ અને આનંદનગરના કયા જ્વેલર્સ પાસે કેટલી રકમ પહોંચી છે તેની વિગતો પણ તપાસ અધિકારીઓને હાથ લાગી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના તપાસ અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં ભરત સોનીએ લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આંકડો રૂ. ૨૧૦ કરોડને આંબી ગયો હોવાના નિર્દેશો મળી રહ્યા છે. જોકે આ કૌભાંડ હજીય વધીને રૂ. ૧૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી શક્યતા છે. તેમ જ રૂ. ૩૦૦ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાની શક્યતા રહેલી છે. બીજી અચંબો પમાડે તેવી બાબત તો એ છે કે અમદાવાદના સી.જી. રોડ, આનંદનગર અને શિવરંજની વિસ્તારના કેટલાક જ્વેલર્સને આ બોગસ બિલિંગને આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ થઈ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. પરિણામે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની તપાસનો રેલો તેમના સુધી પહોંચવાની સંભાવના રહેલી છે. તપાસ અધિકારીઓએ તેમના નામ મેળવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

પુત્ર, પુત્રી ને જમાઈના નામે કંપનીઓ શરૂ કરી

અમદાવાદના સુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત ભગવાનદાસ સોનીએ છ અલગ અલગ કંપનીઓ બનાવી હતી. આ કંપનીઓ તેમણે તેમના પરિવારના સભ્યને નામે જ બનાવી હતી. આ કંપનીઓમાં ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એન.એસ. એન્ટરપ્રાઈસ, એસ.એ. ઓર્નામેન્ટ્સ, બી-૨ જેમ્સ નામની કંપની બનાવી હતી. ભરત સોનીએ છ કંપનીઓ શરૂ કરી હતી. પોતાના પરિવારના નજીકના સગાંઓના નામે તેમણે આ કંપનીઓ ઊભી કરી હતી.

gst

આ તમામ કંપનીઓના અલગ અલગ જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા હતા. પરિવારના સભ્યોને નામે જીએસટી રજિસ્ટ્રેશન નંબર લીધા બાદ તેમના નામે ભરત સોનીએ બૅન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ બૅન્ક એકાઉન્ટમાં લીધેલી ચેકબુકના દરેક ચેક પર પરિવારના સભ્યોની એડવાન્સમાં જ સહી કરાવી લીધી હતી. આ તમામ ચેકબુક પોતાની પાસે જ તેમણે રાખી હતી. ભરત સોનીએ બનાવેલી તમામ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાં માલની લેવડદેવડ થયાના કોઈ જ નિર્દેશો મળતા નથી.

બોગસ બિલિંગમાં બીજા ગઠિયાઓની પણ સંડોવણી

બોગસ કંપનીઓ બનાવ્યા પછી તેણે છ કંપનીઓના નામે મોટી સંખ્યામાં બોગસ બિલ બનાવ્યા હતા. બોગસ બિલિંગના કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સાથે મળીને ખોટા બૅન્કિંગ ટ્રાન્ઝેક્શન બતાવીને ખરીદ વેચાાણ બતાવ્યા હતા. ત્યારબાદ આ બોગસ બિલ બુલિયન, ડાયમંડ અને રિટેઈલ ટ્રેડર્સ સુધી પહોંચાડયા હતા. આ છ કંપનીઓએ મળીને રૂ. ૨૪૩૫.૯૬ કરોડનો બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા. ભરત સોની ઉપરાંત તેમની સિન્ડિકેટના અન્ય સભ્યોએ મળીને રૂ. ૭૨૫૦ કરોડના બોગસ બિલ બનાવીને રૂ.૨૧૦ કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

ભરત સોનીને બીજી સપ્ટેમ્બરે ધરપકડ કર્યા બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેટ્રો કોર્ટે ભરત સોનીને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ કૌભાંડ તોતિંગ હોવાથી અને મોટી સંખ્યામાં બોગસ બિલિંગ કરનારાઓ તેમાં સંડોવાયેલા હોવાથી આ કૌભાંડમાં બોગસ બિલિંગનો આંક રૂ.૧૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી સંભાવના રહેલી છે. આ રીતે તેમણે રૂ. ૩૦૦ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું અત્યાર સુધીની તપાસ પરથી જણાઈ રહ્યું છે. 

આજે રિમાન્ડ અરજીની સુનાવણી

ભરત સોનીએ જામીન માટની અરજી કરી હતી. બીજી તરફ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ ભરત સોનીને કસ્ટડીમાં લેવા માટે કરેલી અરજી ે કરેલી અરજીની આવતીકાલે સુનાવણી થવાની છે. કસ્ટડીમાં લેવા માટેની અરજીમાં દલીલ કરવામાં આવી છ કે આ કેસની તપાસ મહત્વના તબક્કામાં છે. તેથી કસ્ટડીમાં લઈને તેની ઉલટતપાસ કરવી અનિવાર્ય છે. 

બોગસ કંપનીઓ કોના કોના નામે બનાવી 

કંપનીનું નામકંપનીના માલિકભરત સોની સાથે સગાઈ
ઘનશ્યામ જ્વેલર્સભરત સોનીપોતે
કનિષ્કા જ્વેલર્સભાવિન સોનીપુત્ર
દીપ જ્વેલર્સદિપાલી નીતિન પાટડિયાપુત્રી
એન.એસ. એન્ટરપ્રાઈસનીતિન સુરેશ પાટડિયાજમાઈ
એસ.એ. ઓર્નામેન્ટ્સશ્વેતા આદર્શ પાટડિયાપુત્રી
બી-૨ જેમ્સઆદર્શ સુરેશ પાટડિયાજમાઈ

તેમ કરીને તેની પાસેથી પુરાવાઓ અને સમગ્ર કૌભાંડનું પગેરું મેળવી શકાશે. ભરત સોનીને કસ્ટડીમાં લેવાની છૂટ આપવામાં નહિ આપે તો આ કૌભાંડના ખરા લાભાર્થીઓ છટકી જાય તેવી શક્યતા રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here