લક્ષ્મી રતન શુકલાએ મમતા બેનરજી સરકારમાંથી રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. સૌરવ ગાંગુલીની મહેરબાનીથી ભારતીય ટીમમાંથી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમી ચૂકેલા શુકલા ૨૦૧૬માં પહેલી વાર ધારાસભ્યપદે ચૂંટાયા હતા. શુકલાને મમતાએ યુવા અને રમતગમત પ્રધાન બનાવ્યા હતા.

શુકલાના રાજીનામાને સૌરવ ગાંગુલીની ભાજપમાં એન્ટ્રી સાથે સંબંધ?
શુકલાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે પણ શુકલાના રાજીનામાને સૌરવ ગાંગુલીની ભાજપમાં એન્ટ્રી સાથે સંબંધ હોવાની અટકળો ચાલી રહી છે. ભાજપ સૌરવને બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ઉતારશે એવી વાતો છે. શુકલા અને સૌરવ અત્યંત નજીક હોવાથી શુકલા સૌરવની સાથે ભાજપમાં જોડાઈ જશે એવું મનાય છે.

તૃણમૂલ કોંગ્રેસનાં સૂત્રો શુકલા ભાજપમાં નહીં જોડાય એવું માને છે. સૌરવ બોર્ડના પ્રમુખપદે હોવાથી શુકલાને બોર્ડમાં પણ કોઈ રોલ મળશે. આ ઉપરાંત મમતા સરકાર પાસેથી મળેલી જમીન પર શુકલાએ સ્પોર્ટ્સ એકેડમી બનાવી છે. આ એકેડમી ધમધમે છે તેથી તેના પર ધ્યાન આપવા માટે શુકલાએ રાજીનામું આપ્યું છે અને વિધાનસભાની ચૂંટણીમાં શુકલા તૃણમૂલનો જ પ્રચાર કરશે એવો પણ તેમનો દાવો છે.