રૂપિયા બે લાખથી નીચેની કિંમતની ગોલ્ડ જ્વેલરીની ખરીદી માટે પણ અન્ય એસેટ કલાસની જેમ નો યોર કલાયન્ટસ (કેવાયસી) ધોરણ ફરજિયાત બનાવવાની નાણાં મંત્રાલયે હિલચાલ શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગે જાહેરાત થવાની જ્વેલર્સને ધારણાં છે. હાલમાં રોકડમાં રૂપિયા બે લાખથી ઓછી ખરીદી પર જ્વેલર્સ કેવાયસી માગતા નથી. આ ધોરણનો લાભ લઈ રોકડમાં જ્વેલરી ખરીદનારા અલગઅલગ દૂકાનેથી અથવા તો વિભિન્ન નામે જ્વેલરી ખરીદતા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. આ ક્ષતિને દૂર કરવા હવેથી કોઈપણ કિંમતની જ્વેલરી ખરીદનારે કેવાયસી પૂરા પાડવાનો વારો આવી શકે છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
આધાર નંબર પૂરા પાડવાનું ફરજિયાત
હાલમાં રિઅલ એસ્ટેટ, સ્ટોકસ, મ્યુચ્યુઅલ ફન્ડસ જેવી એસેટ કલાસની ખરીદી કરતા પહેલા રોકાણકારો અથવા ગ્રાહકોએ પેન અથવા આધાર નંબર પૂરા પાડવાનું ફરજિયાત છે. ભારતની વાર્ષિક ગોલ્ડ માગ ૮૨૫થી ૮૭૫ ટન રહે છે. ગોલ્ડમાં રોકડ નાણાંનું ચલણ જંગી માત્રામાં જોવા મળે છે. નોટબંધીના સમયમાં અસંખ્ય લોકોએ પોતાની પાસેના બેહિસાબી નાણાંનો ઉપયોગ ગોલ્ડ ખરીદવા માટે કર્યો હોવાના અહેવાલો હતા.આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર ગોલ્ડને પણ હવે યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ સાધન તરીકે ગણાવવા માગે છે.
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આવરી લી
ગયા વર્ષના ડિસેમ્બરથી સરકારે જ્વેલર્સને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ આવરી લીધા છે. આને કારણે જ્વેલર્સ તેમને ત્યાં કોઈપણ શંકાસ્પદ ખરીદી થાય અથવા એક મહિનામાં વિવિધ વેપારમાં રૂપિયા દસ લાખથી વધુનું વેચાણ રોકડમાં થાય તો તેની જાણકારી સત્તાવાળાને કરવાની રહેશે. આમ સત્તાવાળાઓએ હવે જ્વેલર્સ પર જ જવાબદારી નાખી દીધી હોવાથી જ્વેલર્સ અત્યારથી જ કેવાયસી ધોરણનું પાલન કરવા લાગી ગયા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.