રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે પર ભાદર-2 નો પુલને ધરાશાયી થયે અઢી વર્ષથી વધુનો સમય થઈ ગયો. છતાં અહીં નવો પુલ બનાવવા કોઈ કામગીરી થઈ નથી. પુલના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિકો હવે આંદોલનના મુડમાં આવી ગયા છે.
ભાદર નદી પરનો ધોરાજી અને ઉપલેટાને જોડતો રાજાશાહી સમયનો આ પુલ અઢી વર્ષ પહેલાં રિપેરીંગ સમયે ધરાશાયી થયો હતો. ત્યારે તે ઘટનામાં બે વ્યક્તિના મોત પણ થયા હતા. આ પુલ ધોરાજી અને ઉપલેટાના અને ગામોને જોડતો હતો અને અહીંના અનેક ગામના ખેડૂતોને ખેતરે જવાનો મુખ્ય રસ્તો હતો. ખેડૂતોના વરસાદ સમાન આ પુલ ધરાશાયી થઈ જતાં સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોને તેમના ખેતરે જવા વીસ કિલોમીટરથી વધુ અંતર ફરીને જવાનો વારો આવ્યો છે.
સ્થાનિક આગેવાનો સહિતના લોકોએ તંત્રમાં અહીં પુલ બનાવવા રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ જવાબ મળતો નથી. સ્થાનિકોનું કહેવું છે કે ગુજરાત માર્ગ અને મકાન વિભાગે આ પુલની કોઈ કામગીરી બાબતે નક્કર કામગીરી કરવાનું તો બાજુ પર, પરંતુ યોગ્ય જવાબો પણ આપતા નથી. અઢી વર્ષથી જેમની તેમ સ્થિતિ રહેતા હવે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વધ્યો છે. જો પુલનું કામ નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.