કોમેડી કિંગ કપિલ શર્માને મુંબઈ પોલીસ દ્વારા સીઝ કરવામા આવેલી ઘણા વાહનોના ફેક રજીસ્ટ્રેશન કેસ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટના API સચિન વાજેએ એક્ટરને પૂછપરછ માટે બોલાવ્યો હતો. કપિલ CIU ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા બાદ અહીંથી નીકળી ગયો હતો. કપિલ કાર ડિઝાઈનર દિલીપ છાબડિયા વિરુદ્ધ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
વેનિટ વેન માટે ચૂકવ્યા સાડા 5 કરોડથી વધુ
કપિલ શર્માએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેણે દિલીપ છાબડિયાને પોતાના વેનિટી વેન ડિઝાઈન કરવા માટે કહ્યું હતું. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ તેણે કપિલને ગાડી ડિલિવર કરી નથી. કપિલ શર્મા દ્વારા આપવામા આવેલી માહિતી અનુસાર, કપિલે દિલીપ છાબડિયાને સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેન ડિઝાઈન કરવા માટે આપ્યા હતા.
કરોડોની ચૂકવણી બાદ પણ ના મળી વેનિટી વેન
કપિલે દિલીપ છાબડિયા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો, જે પછી મુંબઈ પોલીસે તેને વિટનેસ (સાક્ષી) તરીકે નિવેદન નોંધાવવા માટે બોલાવ્યો હતો. કપિલ શર્માએ જણાવ્યું કે,‘મે દિલીપ છાબડિયા અને તેના સ્કેમ વિશે અખબારમાં વાંચ્યું હતું, જે પછી મે મુંબઈ પોલીસ કમિશ્નરને મળવાનો નિર્ણય કર્યો. અમે દિલીપ છાબડિયાને અમારી માટે એક વેનિટી વેન ડિઝાઈન કરવા માટે પણ કહ્યું હતું, આ માટે સંપૂર્ણ પેમેન્ટ કરી દેવામા આવ્યું છે. જોકે તેણે અમને ગાડી ડિલિવર કરી નથી. અમે આ અંગે ઈકોનોમિક ઓફેન્સ વિંગ (આર્થિક અપરાધ શાખા)માં ફરિયાદ નોંધાવી હતી. મને આનંદ થયો કે છાબડા જેવા વ્યક્તિની ધરપકડ થઈ રહી છે, આવા ઘણા વ્હાઈટ કોલર પ્રોફેશનલ્સ છે જેમની ગુનાહિત સંડોવણી હોય છે. મને સંપૂર્ણ રકમ અંગે વધુ જાણ નથી જે અમારા દ્વારા આપવામા આવી, આ અંગે મારા અકાઉન્ટેન્ટને વધુ ખબર હશે.’