હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સદા ટાયર થી કંટાળી ગયા છે પણ તેમણે ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી તમારી પાસે રુપિયા પડાવવાનો ખેલ પણ મોટા પાયે ચાલી રહ્યો છે. શક્ય છે કે, તમે એકાદવાર તેનો ભોગ પણ બની ચૂક્યા હશો. જો તમારા વાહનમાં પણ ટ્યૂબલેસ ટાયર હોય, તો તેમાં એર પ્રેશર ચેક કરાવતા પહેલા તમારે કેટલીક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરુરી છે.

કેમ અચાનક વ્હીલ માં પંકચર?

આજે બધા પેટ્રોલ પંપ પર ટાયર્સ માં એર ફિલિંગ ની સુવિધા ઉપલબ્ધ છે એટ્લે પ્રેશર ચેક કરાવતા હોઈએ છીએ. જોકે, કેટલીકવાર ટાયરનું પ્રેશર ચેક કરીને હવા ભરનારો વ્યક્તિ કોઈ એક ટાયરમાં પ્રેશર ઓછું છે તેમ કહી પંકચર કરવું પડશે તેમ કહે છે. આવા સમયે તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જાઓ છો કે, કાલ સુધી તો બધુ બરાબર હતું, આજે અચાનક શું થઈ ગયું?

કારીગર એક ના બદલે બતાવે છે 4-૫ પંકચર

ગુજરાત ના એક ટાયર કંપની ના માલિક અને પંકચર નો ધંધો ચલાવતા એક માણસ ના જણાવ્યા પ્રમાણે, કેટલાક પેટ્રોલપંપો પર અને ખાસ તો હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટાયરમાં હવા ઓછી છે તેવું કહી ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાનો ખેલ ચાલે છે. એકાદ ટાયરમાં જો હવા થોડી ઓછી પણ હોય તો પણ આ લોકો તેમાં એક ટેકનિકથી તમને ચાર-પાંચ પંકચર બતાવે છે.

આમ કરે છે ઠગાઈ

તમને જાણીએ નવાઈ લાગશે કે આ લોકો ખુલ્લે આમ છેતરપિંડી કરે છે. જેમાં તેઓ કારના ટાયરમાં પંકચર ચેક કરતા-કરતા જ બારીક કાણા પાડી દે છે. અને પછી તેમાંથી હવાના પરપોટા બહાર નીકળવા લાગે ત્યારે ટાયરમાં આટલા પંકચર છે તેમ કહીને તેઓ તમારી પાસેથી સારા એવા રુપિયા પડાવી લે છે.

પંકચર દીઠ રાખે છે 100 નો ભાવ

જો તમે પણ ક્યારે તમારી બાઇક કે કાર માં પંકચર કરાવ્યુ હોય તો તમને ખબર હશે કે આ લોકો એક પંકચર ના 100 રુપિયા પડાવે છે, અને જો તમારી પાસે ગાડી હોય અને તમે આવી સ્થિતિમાં મૂકાઓ તો ચાર પાંચ પંકચર એક સાથે જ તમને બતાવીને તમારી પાસેથી 400-500 રુપિયા પંકચર બનાવનારો આરામથી પડાવી લે છે, અને આગળ જઈને હેરાન ન થવાય તે ડરથી તમે તેને મો માગ્યા પૈસા આપી પણ દો છો.

શું રાખવું જોઈએ ધ્યાન ?

ઘણા લોકો ની ટેવ હોય છે કે કારમાં એર ફિલિંગ ના સમયે તે કાર ની અંદર બેસી રહે છે. તેના બદલે કારની બહાર નીકળો, અને તમારી હાજરીમાં પ્રેશર ચેક કરાવો. જો કોઈ ટાયરમાં પ્રેશર બીજા ટાયર્સ કરતા ઓછું હોય અને તમને તેમાં પંકચર છે તેમ કહેવામાં આવે તો પેટ્રોલ પંપ પર પંકચર કરાવવાને બદલે કોઈ ટાયર કંપનીના શોરુમ પર અને શક્ય હોય તો તમારું ટાયર જે કંપનીનું છે તેના ઓર્થોરાઈઝ્ડ શોરુમ પર જ જાઓ.

જો આ ટાયરમાં હવા ઓછિ લાગે તો?

ઘણી વાર તમે કાર લઈને નીકળ્યા હોય અને જો ટાયર માં હવા ઓછિ લાગે તો ચિંતા કરવાની કોઈ જરુર નથી. તમે તેમાં પૂરી હવા ભરાવીને તેને આરામથી ડ્રાઈવ કરી શકો છો. ત્યાં સુધી કે જો તમારી કારના ટ્યૂબલેસ ટાયરમાં ખિલ્લી પણ ઘૂસી જાય તો પણ તમે તેને હવા ભરાવ્યા બાદ પંકચરની દુકાન સુધી આરામથી લઈ જઈ શકો છો. માટે, પેટ્રોલપંપ પર પંકચરવાળો તમને હવા ઓછી છે તેમ કહી ડરાવે તો પણ તેને ત્યાં પંકચર કરાવવાનું ટાળો.

હવા ના બદલે નાઈટ્રોજન ફિલિંગ સારું

મોટાભાગના લોકો કાર માં સાદી હવા ભરાવવા નો આગ્રહ રાખતા હોય છે પણ તમે તેના બદલે નાઈટ્રોજન ભરાવી શકો છો. નાઈટ્રોજન ભરાવવાથી તમારે ૨-૩ મહિને માંડ એકાદ વાર એર પ્રેશર ચેક કરાવવું પડે છે, અને જો પંકચર પડી પણ જાય તો પણ તેમાં નાઈટ્રોજન લાંબો સમય ટકે છે. નાઈટ્રોજન ભરાવેલો હોય તો પણ તમે તેમાં ઈમરજન્સીમાં સાદી હવા ભરાવી જ શકો છો.

સાથે રાખો પંકચરની કીટ

જે લોકો ને હાલતા બહારગામ જવાનું થતું હોય અને સમય નો અભાવ હોય તેને પોતાની સાથે ટ્યૂબલેસ ટાયરની પંકચર કિટ રાખવી જોઈએ. કેમ કે ટ્યૂબલેસ ટાયરનું પંકચર જાતે બનાવવું પણ ખૂબ સરળ છે. તે તમે યૂટ્યૂબ પર વીડિયોઝ જોઈને પણ શીખી શકો છો. તેનાથી ન માત્ર તમારા પૈસા બચશે, પરંતુ તમે ક્યાંક પંકચરને લીધે ફસાઈ પણ નહીં જાઓ, અને ટ્યૂબલેસ ટાયરનો ફાયદો ઉઠાવી શકશો. આમ પણ, ટ્યૂબલેસ ટાયરમાં પંકચર બનાવવાના લગભગ બધી જગ્યાએ પંકચર દીઠ 100 રુપિયા પડાવાય છે, જ્યારે તેની કિટ તેના કરતા ઘણી સસ્તી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here