પરિસ્થિતિ ગમે તેવી હોય માતા હંમેશા પોતાના બાળકનું રક્ષણ કરે જ છે. કોરોના કાળમાં પણ આ વાત માતાઓએ સાચી સાબિત કરી બતાવી છે. કોરોના જેવી મહામારીમાં પણ માતા પોતાના બાળકો માટે ઢાલ સમાન સાબિત થઈ રહી છે. માતાઓ ભલે કોરોના સંક્રમણનો ભોગ બની હોય પણ તેણે તેના નવજાત સંતાનોને કોરોના સંક્રમિત થતા બચાવ્યા છે.
માતાનું દૂધ બાળક માટે સર્વશ્રેષ્ઠ છે તે વાતની વધુ એક વખત સાબિતી મળી છે. કોરોના સંક્રમિત માતાનું દૂધ પીવા છતાં પણ નવજાત શિશુને કોરોના થઈ શક્યો નથી. કોરોનાના સમયમાં સુરતમાં હોસ્પિટલોમાંથી આવેલા આંકડા આ જ સાબિતી આપે છે. આ દરમ્યાન સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 241 કોરોના પોઝિટિવ માતાઓની ડિલિવરી થઈ હતી. જેમાં ફક્ત 13 નવજાત શિશુઓ કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે 228 બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પ્રોટોકોલ અનુસાર બીજા બાળકોનો પણ કોરોના ટેસ્ટ થયો હતો. પણ તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા.

કોરોના કાળમાં સ્મીમેર હોસ્પિટલ :
ડિલિવરી 4000
પોઝિટિવ માતાઓ 103
પોઝિટિવ બાળકો 05
કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલ :
ડિલિવરી 3000
પોઝિટિવ માતાઓ 138
પોઝિટિવ બાળકો 08