એચ-૧ બી (H1B)વિઝાની પ્રક્રિયામાં અમેરિકાએ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી લોટરીના આધારે વિદેશી નિષ્ણાતોને એચ-૧ બી(H1B) વિઝા અપાતા હતા, પરંતુ હવે સ્કિલ અને પગારના આધારે વિદેશી નિષ્ણાતોની પસંદગી થશે. આગામી ૬૦ દિવસમાં તેનો અમલ થશે. ૧લી એપ્રલથી નવી વિઝા પ્રક્રિયા શરૃ થશે એ વખતે નવી સિસ્ટમ લાગુ થશે.
ભારત સહિતના આઈટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય એચ-૧ બી (H1B)વિઝા કેટેગરીમાં અમેરિકાએ પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટ્રમ્પ સરકારે એચ-૧ બી વિઝામાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી પ્રક્રિયા પ્રમાણે એચ-૧ બી (H1B)વિઝાધારકોની પસંદગી લોટરીના આધારે નહીં, પરંતુ સ્કિલ અને પગારના આધારે થશે.

અમેરિકી યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને H1B વિઝામાં નવો ફેરફાર કરાયો
અમેરિકન સરકારના નોટિફિકેશન પ્રમાણે અમેરિકી યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને નવો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી બધી જ અરજી આવ્યા પછી લોટરી પદ્ધતિથી વિદેશી નિષ્ણાતોની પસંદગી થતી હતી, પરંતુ નવા નિયમો પ્રમાણે વિદેશી નિષ્ણાતનો પગાર અને તેનો અનુભવ અને આવડતને પણ ધ્યાનમાં લેવાશે. એચ-૧ બી વિઝામાં ટ્રમ્પના કાર્યકાળમાં જે ફેરફાર થયો છે એ પ્રમાણે અમેરિકન નાગરિકને બદલે કંપનીએ જો કોઈ વિદેશી નાગરિકને નોકરી આપવી હશે તો તેને અમેરિકન નાગરિકના પ્રમાણમાં વધારે વળતર આપવું પડશે.
એ નિયમના ભાગરૃપે જ નવી પસંદગી પદ્ધતિ અમલી બનાવવાની સરકારની ગણતરી છે. આગામી વર્ષ માટે ૧લી એપ્રિલથી એચ-૧બી વિઝાની પ્રક્રિયા શરૃ થશે. તે પહેલાં જ આ નોટિફિકેશન જારી કરાયું છે. આ નવી પદ્ધતિ ૬૦ દિવસમાં લાગુ કરાશે. એટલે કે ૨૦૨૧માં એચ-૧ બી વિઝાની પદ્ધતિ નવા નિયમ પ્રમાણે જ લાગુ પડશે.

નવી પસંદગી પ્રક્રિયાથી વિદેશના નિષ્ણાત અને આવડત ધરાવતા નાગરિકોનો અમેરિકાને લાભ મળશે
અમેરિકન સિટિજનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર જોસેફ એડલોએ કહ્યું હતું કે એચ-૧બી વિઝાની કેટેગરીનો અમેરિકન કંપનીઓ દુરુપયોગ કરી રહી છે. સામાન્ય રીતે અમેરિકન કંપનીઓ તેમના જુનિયર સ્તરના નોકરિયાતોને ભરવા માટે અને કંપનીઓનો ખર્ચ ઘટાડવા માટે જ આ કેટેગરીનો ઉપયોગ કરે છે.
નવી પસંદગી પ્રક્રિયાથી વિદેશના નિષ્ણાત અને આવડત ધરાવતા નાગરિકોનો અમેરિકાને લાભ મળશે અને કંપનીઓએ પણ વિદેશી નિષ્ણાતોની સેવા લેવા માટે સારું એવું બજેટ આપવું પડશે. બીજી તરફ ભારતીય-અમેરિકન સમુદાયે ઈલેક્ટેડ પ્રમુખ જો બાઈડનને રજૂઆત કરી છે કે એચ-૧ બી વિઝા પર ટ્રમ્પે લગાડેલા પ્રતિબંધો હટાવી દે અને પ્રક્રિયામાં પણ સરળતા અમલી બનાવે. અમેરિકામાં આઈટી ક્ષેત્રે જે જરૃરિયાત છે તેને ધ્યાનમાં રાખીને બાઈડેન યોગ્ય નિર્ણય કરે એવી માગણી અમેરિકી આઈટી સેક્ટરે પણ કરી છે.