ગુજરાતમાં બર્ડફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. આવા સંજોગોમાં સુરત જિલ્લાના બારડોલીમાં 15 કાગડા અને તાપી જિલ્લાના વાલોડના વીરપોરમાં 10 કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. વલસાડમાં ગુરૂવારે 6 મૃત કાગડા મળી આવ્યા હતા. આ તમામના સેમ્પલ શુક્રવારે ચકાસણી માટે ભોપાલ મોકલાયા હતા. બે દિવસ પહેલા બારડોલી તાલુકાનાં મઢી રેલવે સ્ટેશન નજીકથી 4 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા બાદ બારડોલીના મેમણ કબ્રસ્તાન નજીક શુક્રવારે 15 કાગડા મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં બર્ડફ્લૂનો ભય ફેલાયો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ લીધા હતા.

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં બર્ડફ્લૂની દહેશત વચ્ચે વાલોડના વીરપોર ગામે 3 દિવસમાં 10 કાગડાનાં મોત થતાં તંત્ર દોડતું થયું છે અને સેમ્પલ લઇ લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલ્યા હતા. દરમિયાન ઉચ્છલ તાલુકામાં મરેલા મરઘાંઓમાં બર્ડફ્લૂના કોઈ ચિન્હ ન હોવાનું જિલ્લા પશુપાલન નાયબ નિયામકે જણાવ્યું હતુ. વલસાડમાં ગુરૂવારે સાંજે શુગર ફળિયામાં 6 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમના સેમ્પલ ચકાસણી માટે ભોપાલ જઇ રહ્યા છે. જુનાગઢના મૃતક પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વલસાડના પોલ્ટ્રીફાર્મ જ નહી, ઘરઘથ્થું મરઘાં રાખનારાઓને પણ ચેતવણી આપી સજાગ રહેવા પશુપાલન વિભાગે જણાવ્યું છે.

સાવલીના પાંચ કાગડાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભોપાલ મોકલાયા

વડોદરા નજીક સાવલી તાલુકામાં કાગડાઓના સમૂહમાં મૃત્યુ થવાના કિસ્સાના પગલે પશુ પાલન વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. સાવલીના વસંતપુરા ગામે ગઇકાલે સાંજે 30 જેટલા કાગડાના ટપોટમ મૃત્યુ થતા ગ્રામજનોએ તેમના મૃતદેહને દાટવાની કાર્યવાહી કરી હતી. પરંતુ આ વખતે વડોદરા જિલ્લાના પશુ પાલન વિભાગની ટીમ આવી જતાં પાંચ કાગડાના મૃતદેહ કબજે લઇ તેમને પોસ્ટમોર્ટમ માટે ભોપાલની વિશેષ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પશુ પાલન વિભાગના નાયબ નિયામકે કહ્યું હતું કે,ભોપાલની લેબોરેટરીમાંથી તાકીદે રિપોર્ટ મળી જાય તેવી માંગણી કરાઇ છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સનું કામ કરતી ટીમોએ 118 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરી સેમ્પલો લીધા છે.

સુરત જિલ્લાના 47 મરઘાં ઉછેર કેન્દ્રમાં સઘન તપાસ    

સુરત જિલ્લામાં બર્ડફ્લૂના હાઉ વચ્ચે 9 તાલુકામાં મોટા પ્રમાણમાં પોલ્ટ્રીફાર્મ આવ્યા હોવાથી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. શુક્રવારે પશુપાલન વિભાગની ટીમે પલસાણા તાલુકામાં 8, માંગરોલ તાલુકામાં 15, ચોર્યાસી તાલુકામાં 10, મહુવા તાલુકામાં 3, બારડોલી તાલુકામાં 8 અને કામરેજ તાલુકામાં 3 મરઘાં ઉછેર કેન્દ્રો મળી કુલ 47 કેન્દ્રોમાં સઘન તપાસ હાથ ધરી હતી.

પોલ્ટ્રીફાર્મમાં કર્મચારી સિવાય કોઈને પ્રવેશ આપવો નહીં

સુરત જિલ્લામાં બર્ડફ્લૂને લઈને તકેદારી રાખવા માટે પોલ્ટ્રીફોર્મના માલિકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે  પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા કર્મચારીઓ સિવાય કોઈને પ્રવેશ નહીં આપવા અને કામ કરતા કર્મચારીઓની તબિયત બગડે તો તેઓની તાત્કાલિક જાણ કરવાની સાથે સારવાર શરૂ કરવા આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here