કોરોના કાળમાં ઉત્તરાયણના તહેવારની કઇ રીતે મનાવવો તેના માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉત્તરાયણ વખતે લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે મનાઇ ફરમાવવા જેવી માર્ગદર્શિકા સામે પતંગના રસિયાઓમાં નારાજગી ફેલાઇ છે. સોશિયલ મીડિયામાં લોકોએ એવો પણ રોષ ઠાલવ્યો હતો કે ચૂંટણીસભામાં ગમે તેટલા લોકો એકત્ર થઇ શકે પણ ઉત્તરાયણમાં એક ધાબા પર મર્યાદિત લોકો જ શા માટે ?

- સરકારે ઉત્તરાયણમાં લાઉડસ્પીકર વગાડવા મુદ્દે માર્ગદર્શિકા જાહેર છે, તો કોરોના કાળમાં થાળી-વાટકો વગાડયા એનું શું?
- કપાયેલો પતંગ આવે તો પહેલા તેને સેનિટાઇઝ કરવો કે કેમ?
- આનાથી વધારે ખરાબ દિવસો બીજા કયા હોઇ શકે? ઉત્તરાયણના દિવસે સેટેલાઇટનો જીગો અને માંડવીની પોળનો બકો સાથે પતંગ ચગાવી શકે કે નહીં એ હાઇકોર્ટે નક્કી કરવું પડે છે.
- આ વખતે ઉત્તરાયણમાં પ્રજા પતંગ ચગાવશે તો પોલીસ ડ્રોન ઉડાવશે.
- ઉત્તરાયણમાં ધાબા પર ભેગા થાવ તો કોરોના થશે પણ શાળા-કોલેજમાં ભેગા થશે તો કોરોના નહીં થાય?
- ઉત્તરાયણમાં ધાબે ૫૦ને જ મંજૂરી તો હાલ રાજકીય પાર્ટીઓની સેન્સ પ્રક્રિયા અને ચૂંટણીની સભાઓમાં સેંકડો લોકો એકત્ર થાય છે તો તેમાં કોરોના ફેલાતો નથી?
- ફિરકી પકડવા માટે આપવી કે લેવી નહીં, સરકાર તરફથી સ્ટેન્ડ આપવામાં આવશે.
- પતંગ કપાઇને આવે તો લૂંટવા નહીં,લૂંટવા જ હોય તો પહેલા પીપીઇ કિટ પહેરી લેવી.
- ચીક્કી-મમરાના લાડુ સાથે આ વખતે ઉકાળાની બોટલો પણ રાખવી પડશે?
- આકાશમાં બે પતંગ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું.