રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી.પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યુ કે, ગુજરાતના રાજકારણમાં સોલંકીએ ખૂબ મહત્વનું પ્રદાન કર્યું હતું. તેમના જવાથી એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના પુત્ર ભરત સોલંકી સાથે ફોન પર વાત કરીને આશ્વાસન આપ્યું હતું. ભરત સોલંકી પણ રાજકારણમાં સક્રિય છે.
માધવસિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે
ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

માધવસિંહ સોલંકીના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક
સીએમ રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ રૂપાણીએ કર્યો છે. આ સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગર ખાતે મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે માધવસિંહ
જણાવી દઇએ કે કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીનું નિધન થયુ છે. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે.

તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા.