અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતા ઘટતા 130ની અંદર આવી ગયા છે. દિવાળી પર ઊભી થયેલી ગંભીર સ્થિતિ ધાર્યા કરતાં ઝડપથી નિયંત્રણમાં આવી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. દરમ્યાનમાં આગામી સપ્તાહના અંત ભાગમાં કોરોનાની રસી મૂકાવાનું ચાલુ થનાર છે. ઉતરાયણના તહેવારની ઉજવણી પર નિયંત્રણો મૂકાયા હોવાથી દિવાળીનું પુનરાવર્તન ટાળી શકાશે તેવી આશા બંધાઇ છે. દરમ્યાનમાં આજે વધુ 123 દર્દીઓ નોંધાયા છે.

દિવાળીનું પુનરાવર્તન ટાળી શકાશે તેવી આશા બંધાઇ

જ્યારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે, તેમજ સાજા થઇ ગયેલાં 147 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં નોંધાયેલાં કુલ કોરનાના કેસોનો આંકડો 60198ને આંબી ગયો છે. જેમાંથી 2216 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે.

સાજા થઇ ગયેલાં 50564 લોકોએ પૂર્વવત તેમની કામગીરી શરૂ કરી દીધી

જ્યારે કોરોનાને હરાવીને સાજા થઇ ગયેલાં 50564 લોકોએ પૂર્વવત તેમની કામગીરી શરૂ કરી દીધી છે.કોરોનાના સારવાર હેઠળના દર્દીઓ – એકટિવ કેસોની સંખ્યા ઘટીને 2342 થઇ ગઇ છે. જેમાં પશ્ચિમપટ્ટાના ત્રણ ઝોન પશ્ચિમ ઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં 1119 અને પૂર્વકાંઠાના ચાર ઝોન પૂર્વ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનના 1223 દર્દીઓનો સમાવેશ થવા જાય છે.

હેલ્થ ખાતાએ કોરોનાની રસીની તૈયારીઓ કરવા માંડી

એક તરફ હેલ્થ ખાતાએ કોરોનાની રસીની તૈયારીઓ કરવા માંડી છે. ડ્રાય રન – રિહર્સલ જુદા જુદા વિસ્તારોમાં શરૂ થઇ ગયા છે. ત્યાં જ બીજી તરફ બર્ડ ફ્લૂએ રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. અમદાવાદમાં પક્ષીઓમાં રોગચાળો દેખાશે તો મ્યુનિ.ના હેલ્થ ખાતાએ બે મોરચાએ લડવું પડશે. 2016માં બર્ડ ફ્લૂએ ભારે દોડધામ સર્જી હતી. આ વખતે જુદા જુદા વિસ્તારોમાંથી મરેલાં પક્ષીઓ મળી આવે છે, તે બાબત રોગચાળાનો વ્યાપ વધુ હોવાની શંકા પેદા કરે છે. જોકે લોકોને બર્ડફ્લૂની ચિંતા કરતાં કોરોનાના કેરથી કંટાળ્યા હોવાથી વેક્સિનની રાહ વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here