પીએમ કિસાન યોજનાનો લાભ સાચા ખેડૂતોને મળવો જોઇએ તેના બદલે અયોગ્ય વ્યક્તિઓને સરકારે આપી દીધો હોવાનો ખુલાસો એક આરટીઆઇમાં થયો છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત 20.48 લાખ અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયા આપી દીધા હોવાનો દાવો આ RTIમાં મળેલી માહિતીમાં કરાયો છે.

અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયા આપી દીધા હોવાનો દાવો

2019માં કેન્દ્ર સરકારે શરૂ કરેલી પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોને વર્ષમાં ત્રણ તબક્કામાં આ નાણા ખાતામાં જમા કરાવી આપવામાં આવે છે. આરટીઆઇના જવાબમાં કેંદ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે અયોગ્ય લાભાર્થીઓની બે કેટેગરીમાં ઓળખ કરાઇ છે. જેમાં પ્રથમ કેટેગરીમાં યોગ્યતા પુરી ન કરનારા ખેડૂતો છે જ્યારે બીજી કેટેગરીમાં ઇન્કમટેક્સ ભરનારા ખેડૂતો છે.

અયોગ્ય લાભાર્થીઓની બે કેટેગરીમાં ઓળખ કરાઇ

જે અયોગ્ય લાભાર્થીઓ છે તેમાં અડધાથી વધુ એટલે કે 55.58 ટકા લોકો ઇન્કમટેક્સ ભરનારાની કેટેગરીમાં આવે છે. જ્યારે બાકીના અન્ય 44.41 ટકા લોકો ખેડૂત છે પણ આ યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતામાં નથી આવતા. બીજીબાજુ સમગ્ર મામલો મીડિયામાં બહાર આવ્યા બાદ જે અયોગ્ય લોકોને લાભ આપી દેવાયો છે તેમની પાસેથી આ રકમની વસુલાત કરવામાં આવી રહી છે.  આરટીઆઇથી સામે આવ્યું કે વર્ષ 2019માં શરૂ થયેલી પીએમ કિસાન યોજના અંતર્ગત જુલાઇ 2020 સુધી અયોગ્ય લાભાર્થીઓને 1364 કરોડ રૂપિયાની ભરપાઇ કરવામાં આવી હતી. સરકારે પોતાના આંકડાથી એવા સંકેતો આપ્યા છે કે રકમ અયોગ્ય લોકોના હાથોમાં જતી રહી છે.

જે અયોગ્ય લાભાર્થીઓને આ રકમ પહોંચી ગઇ છે તેઓમાં સૌથી વધુ પાંચ રાજ્યો ગુજરાત, આસામ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. પંજાબમાં 23.6 ટકા, આસામમાં 16.8 ટકા, મહારાષ્ટ્રમાં 13.99 ટકા, ગુજરાતમાં 8.05 ટકા, ઉ. પ્રદેશમાં 8.01 ટકાનો સમાવેશ થાય છે કે જેઓ અયોગ્ય હોવા છતા લાભ મળી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here