કેટલાય ઘાયલ ખેલાડી છતાં ઊંચું મનોબળ સાથે મેચ બચાવવાની આશા.. આ બધુંજ જોવા મળ્યું ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં. સિડનીમાં મેચના 5 મા દિવસે કોઈએ વિચાર્યું નહીં હોય કે 407 રનનો ટાર્ગેટનો ચેઝ કરવા માટે ટીમ ઈન્ડિયા આટલું બધું મનોબળ બતાવશે. અને જખ્મી શેરની જેમ મેદાન પર લડી લેશે. આ મેચ તો ડ્રો ગઈ છે પરંતુ સીરિઝ હજુ પણ 1-1ની બરાબરી પર છે. સિડની ટેસ્ટ ડ્રો થયા પછી હવે સીરિઝનો નિર્ણય ચોથી અને અંતિમ ટેસ્ટમાં 15 જાન્યુઆરીએ ટીમો આમને સામને આવશે. સીડની ટેસ્ટ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાના મોંમાંથી વિજયનો કોળિયો ખૂંચવીને દિવાલ બનેલા અશ્વિન અને હનુમા વિહારીએ પાણી ફેરવી દીધું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટમાં પાંચમા અને છેલ્લા દિવસે ડ્રો રહ્યો છે.

ઋષભ પંત સર્વાધિક રન બનાવ્યા પરંતુ સદી ચૂકી ગયો
407 રનનો લક્ષ્યાંક સાથે રમવા ઉતરેલી ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ 52 રનની રમત રમી સારી શરુઆત અપાવી હતી. આ પછીથી ઋષભ પંત અને ચેતશ્વર પુજારાએ ભારતની જીતની આશા જગાવી હતી. પુજારા અને ઋષભ પંતે મળીને 148 રનની પાર્ટનરશીપ કરી હતી. ઋષભપંત 3 રનથી પોતાની ત્રીજી ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. પંતે 118 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ 97 રન બનાવ્યા જ્યારે પૂજારાએ 205 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 77 રન બનાવીને હેઝલવુડના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.
ભારત માટે ચોથી વિકેટમાં ચોથા દાવમાં આ સૌથી મોટી પાર્ટનરશીપ
ભારત તરફથી ચોથી વિકેટ માટે પુજારા અને ઋષભપંતે મળીને 148 જોડ્યા હતા. જે ભારત માટે ચોથી વિકેટ માટે ચોથા દાવમાં આ સૌથી મોટી પાર્ટનરશીપ છે. આ અગાઉ રુશી મોદી અને વિજય હજારેએ 1948-49 માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ચોથા દાવમાં ચોથી વિકેટ માટે 139 રન જોડ્યા હતા. દિલીપ વેંગસરકર અને યશપાલ શર્માએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 1979માં 122 રનની પાર્ટનરશીપ કરી હતી.

જખ્મી હનુમા વિહારી દિવાલ બનીને ઊભો રહ્યો
ભારતીય ખેલાડીઓએ હાર ના માનતાં મેચને બચાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 338 રન બનાવ્યા તે પછી ભારતે 244 રન પર રોકી દીધી. આ પછીથી યજમાન ટીમે બીજા દાવમાં 6 વિકેટે 312 રન કરી દાવ ડિકલેર કર્યો અને ભારતને જીત માટે 407 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો. પુજારા અને ઋષભપંતના આઉટ થયા પછી ભારતીય ટીમની હાર દેખાતી હતી. પરંતુ અશ્વિન અને હનુમા વિહારી જખ્મી હોવા છતાં દિવાલ બનીને ઊભા રહ્યા. ભારતીય બેટ્સમેનોએ રંગ રાખતા ઓસ્ટ્રેલિયન બોલરોને વિકેટ લેવામાં હંફાવ્યા. અને મેચ ડ્રો કરાવવામાં સફળતા મળી.
ઈજાગ્રસ્ત હોવા છતાં બને ખેલાડીએ પોતાનો જીવ રેડી દીધો
હનુમા વિહારીએ 161 બોલમાં 23 રન બનાવી નોટ આઉટ રહ્યો છે તો અશ્વિને પણ 128 બોલમાં 39 રન બનાવી ઓસ્ટ્રેલિયન બોલરોને હંફાવી દીધા. ઈન્જર્ડ થવા છતાં પણ ખેલાડીઓએ જે ઝનૂન બતાવ્યું છે તે જોતા ભારતીય ક્રિકેટ ચાહકોના મતે તો ભારત જ આ મેચ જીતી ગયું છે. મેચ ભલે ડ્રો રહી પરંતુ ઈજાગ્રસ્ત ખેલાડીઓએ જે રીતે જીવ રેડી મેચ બચાવી તેનાથી બધા અભિભૂત છે.