આઝાદી પછી દર વર્ષે પ્રિન્ટિંગ થતા બજેટ દસ્તાવેજને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. સંક્રમણના ડરથી આ વખેત વર્ષ 2021-22નું બજેટ દસ્તાવેજ પ્રિન્ટ નહીં થાય. સરકારને આ મામલે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિની મંજૂરી મળી ગઈ છે. તમામ સાંસદોને આ વખતે બજેટ દસ્તાવેજોની સોફ્ટ કોપી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બજેટના દિવસે સંસદની બહાર દસ્તાવેજ પહોંચાડતી ટ્રક નજરે નહીં પડે
એવામાં આ વખતે બજેટના દિવસે સંસદની બહાર દસ્તાવેજ પહોંચાડતી ટ્રક નજરે નહીં પડે. કેન્દ્રિય બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નાણામંત્રાલયના પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે. નાણામંત્રાલયનું કહેવું હતું કે બજેટ દસ્તાવેજના પ્રિન્ટિગ માટે 100થી વધુ લોકોને બે હપતા સુધી એક જજગ્યાએ રાખવામાં આવે છે. કોરોના સંક્રમણને જોતાં સરકાર આટલા બધા લોકોને આ સમયગાળા સુધી એક જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસમાં રાખી શકે નહીં.
બજેટ ડોક્યુમેન્ટને લઈને બે વિકલ્પ રાખવામાં આવ્યા
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ સોફ્ટ કોપી માટે સાંસદોને મનાવવા માટે લોકસભા અધ્યક્ષ અને ઉપસભાપતિને ખૂબજ ચર્ચાવિચારણા કરવી પડી. બજેટ ડોક્યુમેન્ટને લઈને બે વિકલ્પ રાખવામાં આવ્યા. તમામ સાંસદોને સોફ્ટ કોપી આપવામાં આવે અથવા કોઈને નહીં. જે સાંસદો ટેકનોસેવી નથી તેમના માટે સીમિત સંખ્યામાં કોપી છાપવી યોગ્ય નહોતી. દલિલ આપવામાં આવી કે દસ્તાવેજ છાપવામાં આવશે તો તેને લઈ જવામાં કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે.
બજેટ છપાવાનું નથી તો હલવા સેરેમની થશે કે નહીં
સ્વતંત્ર ભારતનું કેન્દ્રીય બજેટ પહેલીવાર 26 નવેમ્બર 1947ના રજૂ કરાયું હતું. તે પછીથી દર વર્ષે આ બજેટ બુક પ્રિન્ટિંગ કરવામાં આવે છે. નાણામંત્રાલય બજેટબુકના પ્રિન્ટિંગ અગાઉ દર વર્ષે હલવા સેરેમની કરે છે. સેરેમનીનું આયોજન સંસદમાં બજેટ રજૂ કરવાના 15 દિવસ અગાઉ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં થાય છે. હવે સવાલ એ છે કે જ્યારે બજેટ છપાવાનું નથી તો હલવા સેરેમની થશે કે નહીં.
અત્યાર સુધી બજેટ પ્રક્રિયામાં કરાયા એનડીએ શાસનમાં જ થયા 3 બદલાવ
ચામડાની બ્રિફકેસથી ખાતાવહી
નાણાંમંત્રી બજેટ દસ્તાવેજ સામાન્ય રીતે ચામડાની બ્રિફકેસ -સુટકેસમાં લઈને સંસદમાં જતા હતા. આ પરંપરાની શરૂઆત દેશના પ્રથમ નાણામંત્રી (1947-1949 ) આર.કે. શણમુખમ ચેટ્ટીએ કરી હતી. વર્ષ 2019 અને 2020માં નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ દસ્તાવેજ લાલ રંગની પારંપરિક ખાતાવહીમાં લઈ ગયા હતા.
બજેટ રજૂ કરવાના સમયમાં બદલાવ
બીજો બદલાવ એ થયો છે કે બજેટ રજૂ કરવાનો સમય પણ ચેન્જ થયો છે. 1999 સુધી બજેટ ફેબ્રુઆરીના અંતિમ કામકાજના દિવસોમાં સાંજે 5 કલાકે થતો હતો. અટલ બિહારી બાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા યશવંતસિન્હાએ આ પરંપરાને બદલીનાંખી અને બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવાનું શરૂ કર્યું.
રેલ બજેટને સામાન્ય બજેટનો હિસ્સો બનાવ્યો
ત્રીજો બદલા એ રેલ બજેટ સામાન્ય બજેટનો હિસ્સો બન્યું છે. વર્ષ 2016માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી કે હવેથી કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રજૂ થશે. આ સિવાય 92 વર્ષથી અલગ રજૂ થતા રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરી દેવાયો છે.