મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ’ પ્રસ્થાપિત કરવા સાથે ગુજરાત રાજ્યની નવી પ્રવાસન નીતિ ર૦ર૧-રપની જાહેરાત કરી છે, જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ તા.૧ જાન્યુઆરી-ર૦ર૧ થી તા.૩૧ માર્ચ-ર૦રપ સુધી અમલમાં રહેશે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા તેમજ રાજ્ય મંત્રી વાસણઆહિરની હાજરીમાં આ પ્રવાસન નીતિની જાહેરાત થઈ હતી. ગુજરાત રાજ્યની આ નવી પ્રવાસન નીતિ માં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું

સીએમ રૂપાણીએ જણાવ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિ માં ‘‘વોકલ ફોર લોકલ’’ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસ થશે.તેમણે આ સંદર્ભમાં વધુ જણાવ્યું કે, વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે. ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે

ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો

સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આ સાથે ગુજરાતમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે. કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર ‘ગિર ફોરેસ્ટ’ અને યુનેસ્કો (UNESCO) પ્રમાણિત ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ’, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ભારતની સર્વપ્રથમ સી-પ્લેન સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ ‘શિવરાજપુર બીચ’સીમાદર્શન તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો અને ભરપૂર પ્રવાસન આકર્ષણો ગુજરાતની આગવી શાન છે, વધુમાં જણાવ્યું કે રાજ્યના હેરિટેજ સ્થાનો, રાજા-રજવાડાના મહેલો, ઝરૂખા વગેરેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તાજેતરમાં હેરિટેજ ટુરિઝમ પોલિસી પણ આપણે જાહેર કરી છે.

 • 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.2 લાખ) આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
 • ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે
 • વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ, આ માટે સર્ટિફિકેટશન ફીના 50% રકમ રિઇમ્બર્સ કરવામાં આવશે

‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીનેવિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ‘ગરવી ગુજરાત’માંથી ખરીદી કરવા પર મહત્તમ રૂ.20,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. CoT(કમિશ્નર ઓફ ટુરિઝમ) હેઠળ રજિસ્ટર થયેલી હોટલોમાં રોકાણ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

વિશિષ્ટ પ્રવાસન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન

 • 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.10 લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમને પ્રમોટ કરીને પ્રવાસનના વિશિષ્ટ સેગમેન્ટમાં સાહસ માટે પ્રેરિત કરાશે.
 • 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.25 લાખ) દ્વારા ગુજરાતના વિશાળ જળ સ્ત્રોતોનો લાભ મેળવવા માટે રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે.
 • સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકોનું સર્જન કરવું
 • 6 મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ.4000 સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણ કરાશે

પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો લાભ લેવો

પ્રત્યેક કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.5 લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ (ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રવાસન કેન્દ્રો)

 • 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે.
 • MICE ઇવેન્ટ્સ માટે પસંદગીનું સ્થળ બનવાનો ગુજરાતનો લક્ષ્યાંક છે
 • રાજ્ય સરકાર દ્વારા 15% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને કન્વેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને MICE સેક્ટરને ઉત્તેજન આપવું
 • મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અને રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે,
  આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય MICE ઇવેન્ટ્સનું આયોજન કરવું અને આ માટે અનુક્રમે રૂ.5 લાખ સુધીની અને રૂ.2 લાખ સુધીની નાણાકીય સહાયતાઓ પ્રદાન કરાશે.
 • વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન
 • એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.15 લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.

વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં બહોળા પ્રમાણમાં વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં (2009-2018) પ્રવાસીઓની સંખ્યા 15%CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. નવી ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે.

ટુરિઝમ પોલિસી 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે

ગુજરાતની પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ પોલિસીમાં વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં, કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ ટુરિઝમ, MICE ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડલાઇફ ટુરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટુરિઝમ, રિલિજિયસ/સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તેમજ રૂરલ બેઝ્ડ એક્સપિરિયન્સ ટુરિઝમ (ગ્રામ્ય વિસ્તારનું પ્રવાસન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here